દિવાળી તહેવારોનો રાજા છે. ધનતેરસથી શરૂ થયેલો ફેસ્ટિવલ મૂડ આજે સોળે કળાએ ખીલી જાય છે. આમ તો નવરાત્રિ વિશે એવું કહેવાય છે કે એ લોંગેસ્ટ ફેસ્ટિવલ ઓફ ધ વર્લ્ડ છે, પણ એ પછી બીજા નંબરે દીપોત્સવિના તહેવારો આવે છે. ધનતેરસ, રૂપચૌદશ,દિવાળી બેસતું વર્ષ અને ભાઈબીજ એમ સતત પાંચ દિવસ સુધી ઉત્સાહ અને આનંદમાં લોકો ડૂબેલા રહે છે. પછી બે દિવસ થાક ઉતારવામાં જાય છે અને લાભપાંચમથી ધીમેધીમે રાબેતા મુજબ થાય છે. નવરાત્રિ ભલે સૌથી લાંબો તહેવાર કહેવાતો હોય પણ એ માત્ર રાતનો તહેવાર છે. જ્યારે દિવાળી તો રાત-દિવસનો તહેવાર છે, આ રાત-દિવસ પાછા સતત પાંચ દિવસ ચાલે છે. દિવાળી અવસરે માણસમાં રીતસરનું પરિવર્તન જોવા મળે છે. આજે એ વધુ ખુશ હોય છે. આજે માણસ પોતાનાથી નાના હોય તેને કોઈ વાતની ના નથી કહેતો અને પોતાનાથી મોટા હોય એની સાથે વધુ નમ્ર થઈ જતો હોય છે. એટલું જ નહીં. દરેક માણસ એવું ધ્યાન રાખતો હોય છે કે આજે કોઈ હર્ટ ન થઈ જાય, આજે કોઈ ઉદાસ ન રહે, આજે કોઈની આંખો ભીની ન હોય, આજે બધા ‘ફૂલ ઓફ લાઈફ’ હોય! આવું એટલા માટે થતું હોય છે કારણ કે માણસ પોતે ‘ફુલ ઓફ લાઈફ’ હોય છે. તમે સારા બનો એટલે તમને એવું જ થાય કે બધું જ સારું થાય અને બધાનું જ સારું થાય. દિવાળી પોઝિટિવિટી ફેલાવે છે. આજે માણસ ભાવુક બનતો હોય છે. કોઈ માણસને રડતો જુએ તો તરત જ એની પાસે દોડી જાય છે અને તેને મદદ કરવાનો પ્રયત્ન કરે છે. એટલિસ્ટ આજે તો કોઈ રડવું ન જ જોઈએ. આજના દિવસનો થોડોક અંશ આપણે આપણામાં જીવતો રાખીએ અને આખું વર્ષ એને ઝગમગવા દઈએ તો એ પૂરતું છે.
આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી કાશ્મીરના પૂરપીડિતો સાથે વિતાવવાની જાહેરાત કરી છે. ઘણા વાંકદેખા લોકોને આમાં પણ રાજકારણ દેખાય છે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ઈલેક્શન આવી રહ્યું છે એટલે નરેન્દ્ર મોદી વ્હાલા થવા માટે કાશ્મીર જાય છે. માનો કે એ સાચું હોય તો પણ એમાં ખોટું શું છે? લોકો સરવાળે તો એવું જ ઈચ્છતા હોય છે કે એના નેતા ખરાબ સમયે એની સાથે રહે. આપણા રાજકારણીઓની છાપ એવી જ છે કે મત માંગવા આવે અને જીતી જાય પછી છેક પાંચ વર્ષે પાછા દર્શન આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરના પૂરને કારણે પોતાનો જન્મદિવસ ઉજવવાની પણ ના પાડી હતી. મોદીએ દિવાળી કાશ્મીરમાં ઊજવવાની વાત કરીને એ વાત તો સાબિત કરી જ છે કે તે લોકોની નજીક છે અને નજીક રહેશે. મોદીની જે લોકો ટીકા કરે છે એ કેમ કંઈ કરતા નથી? કેટલાને ખબર છે કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી કે બીજા નેતાઓનો દિવાળીનો કાર્યક્રમ શું છે? એ લોકો કેમ ગરીબો અને અસરગ્રસ્તો માટે કંઈ કરતા નથી. હા, જે લોકો ટીકા કરે છે એ લોકોએ એવું કરવાની જરૂર હતી કે અમે આંધ્રપ્રદેશમાં હુડહુડ વાવાઝોડાથી પ્રભાવિત થયેલા લોકો સાથે દિવાળી વિતાવીશું. છે કોઈની તૈયારી? બધાએ પોતપોતાના ફેસ્ટિવલ્સ પ્લાનિંગ હુડહુડ આવ્યું એ પહેલેથી કરી રાખ્યા છે, ફલાઈટની ટિકિટ અને હોટલના બુકિંગ બહુ એડવાન્સમાં થઈ જતા હોય છે. કોંગ્રેસીઓ અને બીજા પક્ષના નેતાઓએ એક વાત યાદ રાખવા જેવી છે કે જો તમારે નરેન્દ્ર મોદી અને ભાજપને ટક્કર આપવી હોય તો તેનાથી બમણા નહીં તો દોઢા એક્ટિવ થઈને બતાવો, માત્ર વાતો કે ટીકા કરવાથી કોઈ મહાન સાબિત થઈ શકવાનું નથી.
કેટલા લોકોએ આજે બીજા લોકો ખુશ રહે એ માટે પોતાની ખુશીઓનું બલિદાન આપ્યું હોય છે? આજે જ કાશ્મીર સરહદે પાકિસ્તાની સેનાએ સીઝફાયરનું વધુ એક વખત ઉલ્લંઘન કર્યું. જે જવાનો સરહદ પર તહેનાત છે એની દિવાળી તમને યાદ આવે છે? એના પણ ઘરબાર છે, પરિવાર છે, પત્ની છે, બાળકો છે, સપના છે, બધા ફટાકડા ફોડતા હોય છે ત્યારે એ દુશ્મનની ગોળીનો જવાબ ગોળીથી આપતા હોય છે.
સરહદના જવાનો ઉપરાંત બીજા પણ એવા અનેક લોકો છે, જે સતત સતર્ક હોય છે કે કોઈની દિવાળી ન બગડે. દેશમાં આતંકવાદી હુમલાની થ્રેટ છે. ઇન્ટેલિજન્સને પણ આવા ખતરાના એંધાણ હોય છે. દેશમાં ઇન્ટેલિજન્સ અને બીજી સિક્યોરિટી એજન્સીઝના જવાનો નાનામાં નાની ભેદી મૂવમેન્ટ ઉપર નજર રાખતા હોય છે. ફટાકડાના બોંબને બદલે કોઈ સાચા બોંબ મૂકી જતું નથી ને? આવા લોકોેને કાબૂમાં રાખનાર લોકો દેખાતા નથી પણ મોજુદ જરૂર હોય છે એ લોકોને પણ દિવાળી હોય છે. પણ દેશના બધા જ લોકો શાંતિથી દિવાળી ઊજવે તેવો તેનો ઇરાદો હોય છે. એક કમાન્ડોના લીડરે એવું કહ્યું હતું કે અમુક વખતે તમારા ભાગે એવું કામ આવતું હોય છે. જેનાથી તમારો પરિવાર વિસ્તરીને આખા દેશ જેવડો મોટો થઈ જતો હોય છે. આવા લોકો ખરેખર સલામને પાત્ર છે.
એ સિવાય પણ ફાયર બ્રિગેડના જવાનો, પોલીસમેન, હોસ્પિટલમાં ખડે પગે રહેતા ડોકટર્સ અને મેડિકલ સ્ટાફ, અને રેલવે અને એસટીબસ ચલાવનારાઓ, હોટલ્સ અને બીજા સ્થળોએ લોકોની સેવા માટે તત્પર રહેતા લોકો અને મીડિયા પર્સન્સ પણ સતત એક્ટિવ હોય છે. આવા સમયમાં વડા પ્રધાન કક્ષાની વ્યક્તિ જો પૂરપીડિતો સાથે દિવાળી વિતાવવાની વાત કરે તો એ સરાહનીય તો છે જ. દિવાળીના સમયમાં કોઈના દિલમાં જરાકેય દીવો પ્રગટાવી શકાય તો એ પૂરતું છે. ઘણાં લોકો આજના દિવસે અનાથ આશ્રમ અથવા તો બીજી કોઈ સંસ્થાઓમાં જઈને જેમનું કોઈ નથી એમની સાથે દિવાળી ઊજવે છે અને એમના થવાનો પ્રયત્ન કરે છે. અમુક અહેવાલો વાંચીને આપણે અરેરાટી વ્યક્ત કરીએ છીએ કે કેવો જમાનો આવ્યો છે, સંતાનો પણ મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી છે કે તાજા જન્મેલા બાળકોને પણ લોકો તરછોડી દે છે. આપણે માત્ર ઘોર કળીયુગ આવી ગયો છે એના શબ્દો બોલીને વાર્તા પૂરી કરી દઈએ છીએ. ખરેખર જો તમને આવી કંઈ ખબર પડે અને તમારામાં સંવેદના જાગે તો એ લોકો માટે જેટલું થાય એટલું કરો અને એટલું યાદ રાખો કે તમે કોઈનું નસીબ નથી બદલી શકવાના, પણ કોઈના ચહેરા પર થોડીક ક્ષણો માટે મુસ્કાન તો આપી જ શકો છો.
એક વિચારકે સરસ વાત કરી છે કે તમને ખબર છે કે તમે જેવી જિંદગી જીવો છો એવી જિંદગી સમગ્ર વિશ્વમાં માત્ર દસ ટકાના નસીબમાં જ લખાયેલી છે, બાકીના નેવુ ટકા લોકો તમે જેવી જિંદગી જીવો છો એવી જિંદગી જીવવાનું સપનું જોતા હોય છે. દિલમાં માનવતા, ઉદારતા અને પ્રામાણિકતાનો દીવડો ઝગમગતો રાખીએ, સમગ્ર વિશ્વમાં આપોઆપ ઉજાસ ફેલાશે. દિવાળીની ર્હાિદક શુભકામનાઓ.
~ કૃષ્ણકાંત ઉનડકટ
(Web Link:http://sandesh.com/article.aspx?newsid=3001768)
Recent Comments