ચાલો આપણે
જૂની પાટી પર દોરેલું
ગણિત ભૂંસી નાખીએ…
આંકડાઓમા અટવાતો,
ગૂંચાતો અને ગૂંચવતો
આ દાખલો
એક વણઉકલ્યો કોયડો
બની ગયો છે,
તો, ચાલો
જૂની પાટી પર દોરેલું
ગણિત ભૂંસી નાખીએ
અને માંડીએ
તેનાં પર
નવી રકમ
હું કરું સરવાળા
ને તમે ભલે કરો બાદબાકી
કબૂલ,
હું કરું ગુણાકાર
ને તમે ભલે કરો ભાગાકાર
મારા ગુણોત્તરના ઉત્તરમા
ભલે મળે માઈનસ
મંજૂર
તો ઉઠાવો પેન અને માંડો દાખલો
ભલે ફરી, ખોટા સમીકરણ રચાય,
ફરી ભૂંસી, માંડીશું નવો દાખલો…
પણ આમ પેન ઉઠાવી
દરેક વખતે
તમે પાટીમાં
‘૦’ જ ચિતરો,
તે કેમ ચાલે ?
– શીતલ દેસાઈ
Recent Comments