“મને પણ સરદાર થવું ગમે…કેમ?”

45206624_2146207895410605_7785255057296982016_n

“મને પણ સરદાર થવું ગમે…કેમ?”

માનનિય નિર્ણાયક ગણ ,શ્રોતાજનો, અને મારા વહાલાં વિદ્યાર્થી મિત્રો,

પ્રિયતા અને અપ્રિયતા નો વિચાર એટલો જૂનો છે કે જેટલો જૂનો મનુષ્ય.
કોઈ ને ગાંધીજી થવું ગમે કે કોઈ ને નહેરુ થવું ગમે,કોઈની પ્રેરણામૂર્તિ ઇન્દિરાજી હોય તો કોઈ અટલજી જેવા થવા ના સ્વપ્ન સેવતા હોય.આ દરેક નેતા પોત-પોતાની રીતે મહાન છે અને તેમણે આ મહાન દેશ નાં ઘડતર માં પોતાનું યોગદાન આપેલું છે.પરંતુ મારા અંતર માં વસેલી મૂર્તિ તો સરદાર પટેલ ની જ છે. મને તો સરદાર પટેલ જેવા જ થવાનું ગમે.કદાચ તમને મારી આ પસંદ પર નવાઈ પણ લાગે.પરંતુ આજે આપણે દેશમાં જે સુખ-શાંતિ થી જીવી રહ્યાં છીએ તે દેશ નાં સાચા શિલ્પી સરદાર પટેલ જ છે.અંગ્રજો ભારત ને આઝાદી આપવા તો સમંત થયા પરંતુ તેમણે કૂટનીતિ કરી ભારતના ટુકડે-ટુકડા કરવાનું ષડયંત્ર રચ્યું અને જયારે ગાંધીજી જેવા મહાન નેતા પણ ભારતની પ્રજાને એક રાખી શક્યા નહી,ત્યારે સરદાર વલ્લભ ભાઈ પટેલે તેમની ઠંડી તાકાત અને મહાન મુત્સદીગીરી થી ભારત ને એક તાતણે બાંધ્યું.આઝાદીને સમયે આપણા દેશ માં અંગ્રજો આશ્રિત ઘણાં રજવાડાઓ હતાં.ત્યારે સરદારે બધાજ રાજવીઓં ને ભારતીય સંઘ માં ભળી જવા સમજાવ્યા અને જે રાજાઓ એ ભળવાની આનાકાની કરી તેની સામે લાલ આંખ કરતાં પણ અચકાયા નહિ..

મોટાભાગનાં રાજવીઓ જેવા કે વડોદરાનાં સયાજીરાવ,જામનગર નાં જામસાહેબ વગેરે સમજાવટ થી ભારતીય સંઘ માં વિલીન થયાં અને હેદરાબાદ નાં નિઝામ, જુનાગઢ-કુતિયાના અને પાલનપુરનાં નવાબો એ તેમાં ભળવાની આનાકાની કરી ત્યારે તેમની સામે કડક હાથે કામ લીધું અને ભારતીય સંઘ માં જોડાવા ફરજ પાડી.અરે એ…બધી વાત તો જવા દો.પરંતુ ….આપણી પાસે રહેલું કાશ્મીર પણ સરદાર પટેલ ની મુત્સદી ને કારણે જ રહી શક્યું છે અને જો તેમને તેમની રીતે કામ કરવા દીધું હોત તો આજે આપણા શિરદર્દ સામો કાશ્મીર નો પ્રશ્ન જ નાં રહ્યો હોત અને પૂરેપૂરું કાશ્મીર જ આપણા કબજામાં હોત .હુ તો દ્રઢ પણે માનું છું કે ચાણક્ય પછી આપણા દેશ માં એક જ મુત્સદી પાક્યો હતો અને તે સરદાર પટેલ જ હતાં. મને સરદાર પટેલ થવું ગમે ,શા માટે? મિત્રો આઝાદીના પચાસ–પચાસ વર્ષમાં આપણે એકબીજા સામે ભસતા ઢગલાબંધ કુરકુરિયાં પેદા કર્યા છે પરંતુ એક પણ સરદાર પેદા કર્યો નથી…
કરમસદ જેવા નાના ગામમાં જન્મેલા અભણ ખેડૂત પિતા ઝવેરભાઈ અને માતા લાડબાઈ નો આ પુત્ર નાનપણ થી જ ખૂબજ મહેનતુ,અને નિડર હતા.નાનપણ માં ૧૦ કિલોમીટર પગપાળા ચાલી અભ્યાસ કરવા જતા હતા પંચાયત નાં દિવાના પ્રકાશમાં વાંચી ને તેંઓ ભણ્યા હતાં.વકીલાત નું ભણી કામિયાબ બેરિસ્ટર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી.અમદાવાદ માં ગાંધીજી ની સભામાં ગાંધીજી પ્રત્યે આદર થી નહિ,પરંતુ તેંઓ દેશ ને કઈ રીતે આઝાદી અપાવવા માગે છે તેવા વિવિધ પ્રશ્નો લઇ ને ગયા હતા,પરંતુ ગાંધીજી ની વિચારસરણી થી પ્રભાવિત થઇ ને તેમનાં આજીવન સેવક બની ગયા.અને ગાંધીજી નાં કહ્યા પ્રમાણે દેશ ની આઝાદી ની ચળવળ માં પોતાની ઉજ્જવળ કારકિર્દી ને ઠોકર મારી જોડાઈ ગયા.તેઓ ગાંધીજીનાં અદના સેવક તરીકે રહ્યા.આધુનિક ભારતનાં એ સાચા શિલ્પી અને ઘડવૈયા હતા.નિડરતા અને કર્તવ્યનિષ્ઠાનાં અનેક ઉદાહરણો તેમની જીદગી માંથી જોવા મળે છે.તેંઓ અદાલત માં એકવાર એક કેસ લડતા હતા,ત્યારે એક ટેલીગ્રામ આવ્યો.આ ટેલીગ્રામ વાંચી તેને ખિસ્સામાં મૂકી કેસ ની દલીલ ચલુ રાખી દલીલો પૂરી થાય બાદ લોકો ને જાણવા મળ્યું કે તે ટેલીગ્રામ માં તેમનાં પત્ની ગુજરી ગયાનાં સમાચાર હતા.આવા દુ:ખદ પ્રસંગે પણ વિચલિત થાય વગર પોતાનું કર્તવ્ય બજાવનાર વ્યક્તિ જેવા થવાનું સૌ ને ગમે.

મિત્રો, સરદાર કેવાં દીર્ઘદ્રષ્ટિ વાળા હતા તે બતાવવા હું આપની સમક્ષ એક ઉદાહરણ રજૂ કરું છું.ગાંધીજી ની હત્યા પછી અચાનક રેડીઓ પર શોકગ્રસ્ત ગીતો શરુ થયાં,તે જમાના મા ટી.વિ. ન હતા.ઉદઘોષકે જણાવ્યું કે- રાષ્ટ્રપિતા આપણી વચ્ચે રહ્યા નથી.તે પછી પંડિત નહેરુ રેડીઓં પર આવ્યા તેમણે કહ્યું
કે એક પાગલ માણસે બાપુ ની ગોળી મારી હત્યા કરી છે.તેમનો કંઠ રૂંધાઈ ગયો,ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલ રેડીઓ પર આવ્યા,તેમણે કહ્યું કે –મહાત્મા ગાંધી ની હત્યા થઇ છે.એક હિંદુ નામે નાથુરામ ગોડસે એ ગોળી ચલાવી છે.આ કરુણ પ્રસંગે સરદાર સાહેબે સ્વસ્થતા ગુમાવી ન હતી. અને હત્યારાના નામ અને ધર્મ નો ઉલ્લેખ કરી તેમણે આખા દેશ ને કોમી રખમાણ માંથી ઊગારી લીધો હતો.આમ તેમની દીર્ઘદ્રષ્ટિ આવા સંજોગમાં કામ આવી ગાંધીજી સાથે તેમણે અનેક સત્યાગ્રહની ચળવળ માં ભાગ લીધો.બારડોલી ના સફળ સત્યાગ્રહ બાદ ગાંધીજીએ તેમને સરદાર નું બિરુદ આપ્યું હતું.ત્યાર બાદ તે લોકો નાં લાડીલા સરદાર બની ગયા હતા.

આઝાદી પછી તેઓ ભારતનાં નાયબ વડાપ્રધાન રહ્યા હતા પરંતુ તેઓ આપણી કમનસીબીએ ઝાઝું જીવી શક્યા નહિ.આવા લોખંડી પુરુષ અને રમ્યતા સાથે રુદ્રતા ની મૂર્તિ સમા સરદાર થવા નું સ્વપ્ન કો ને ના હોય?

——-જયહિન્દ——–

જગત અવાશિયા
“સરદાર પટેલ ની ૧૨૪ મી જન્મ જયતિ નિમિત્તે’’

[Script Prepared By: Nirupam Avashia (Year: 1999)]

Disclaimer

© આ બ્લોગમા રજૂ થયેલી કૃતિઓના હક્કો (કોપીરાઇટ) જે તે રચનાકાર ના પોતાના છે. આ બ્લોગ પર અન્ય રચયિતાઓની રચનાઓ મૂકવામાં આવી છે તેને કારણે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને જણાય અને તેની મને જાણ કરવામાં આવશે, તો તેને તરત અહીંથી દૂર કરવામાં આવશે. Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest.

Translate