જેઓ સમયસર છત્રી ખૂલ્યાનો અને સહેજ પણ ભીના ન થયાનો આનંદ, પોતાની કોઈ મોટી ઉપલબ્ધિની જેમ લોકોને સંભળાવતા હોય…. એમના માટે નથી આ વરસાદ.
જેઓ વરસાદના બે ટીપાંની વચ્ચેથી પણ કોરા રહી શકવાનો રસ્તો શોધી લેતા હોય અને રસ્તામાં આવતા ખાબોચિયાંને અછૂત માનીને લાં….બી છલાંગ લગાવતા હોય….એમના માટે નથી આ વરસાદ.
જેઓ સ્માર્ટફોન પલળવાના ડરથી પોતાના મોબાઈલની સાથે પોતાની જાતને પણ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ચાલતા હોય….. એમના માટે નથી આ વરસાદ.
જેઓએ ચામડી ઉપર રુંવાટીની સાથે રેઇનકોટ ઉગાડ્યો હોય ….એમના માટે નથી આ વરસાદ.
આ વરસાદ એટલે ખુલ્લી હથેળીઓમાં ઝીલી શકાય એવા, ઈશ્વરના પ્રવાહી આશીર્વાદ. વરસાદ એવું શીખવે છે કે જિંદગીની સૌથી અદભૂત ક્ષણો પકડી શકાતી નથી, ફક્ત ઝીલી શકાય છે. વરસાદ એટલે આકાશ અને ધરતી વચ્ચેનો સૌથી રોમેન્ટિક વાર્તાલાપ.
વરસાદ એમના માટે છે જેઓ ચાલુ ક્લાસરૂમે પહેરેલા યુનીફોર્મે દોડીને વર્ગખંડની બહાર નીકળી જાય છે.
વરસાદ એમના માટે છે જેઓ કોઈપણ જગ્યાએ હોય, ભીની માટીની સુગંધ તેમને બહાર ખેંચી લાવે છે.
વરસાદ એમના માટે છે જેઓ ભડકે બળતા જીવની હોડી બનાવી વરસાદના પાણીમાં તરવા મૂકી દે છે.
વરસાદ એમના માટે છે જેઓ માટીનું શરીર ઓઢીને ભીંજાવાની તૈયારી બતાવે છે.
વરસાદ એમના માટે છે જેઓ ફક્ત પલળતા નથી, ભીંજાઈ પણ શકે છે.
ડાર્ક બેકગ્રાઉન્ડમાં વીજળીઓના ચમકારાની સ્પેશીયલ ઈફેક્ટસ સાથે પાણીની ‘આઈ લવ યુ’ કહેવાની સ્ટાઇલ એટલે વરસાદ.
આ વરસાદ એમના માટે છે જેઓ પાણીને ગળે મળીને ‘આઈ લવ યુ ટુ’ કહી શકે.
-ડૉ. નિમિત ઓઝા
સ્વર: જગત નિરુપમ
Recent Comments