કલરવ કરતી,જીવન જીવતા શીખવી ગઈ,
એક ચકલી મને જીવન જીવતા શીખવી ગઈ,
થતું હશે એને પણ દુઃખ જયારે કોઈ માળો તોડે,
પણ હસતી રહી ફરીથી એ તણખલા જોડે,
મુશ્કેલીઓને પડકાર આપતા શીખવી ગઈ,
એક ચકલી મને જીવન જીવતા શીખવી ગઈ.
શોધવાને અન્ન, તે આમતેમ ઊડતી,
નાના દેહ ની ક્યારેય ન ફરિયાદ કરતી,
આપ્યું જે કુદરતે, એ સ્વીકારતા શીખવી ગઈ,
એક ચકલી મને જીવન જીવતા શીખવી ગઈ.
કઠિન મહેનત કરી એ ઉડવાનું શિખતી,
ઉંચાઈ ના ડર સામે આત્મવિશ્વાસ થી જીતતી
ખુદ પર પૂરો વિશ્વાસ રાખતા શીખવી ગઈ,
એક ચકલી મને જીવન જીવતા શીખવી ગઈ.
સમજાયું એટલું કે ઉંચાઈ એ પહોંચવા ખુદ ઉડવું પડે,
પાંજરે થી નીકળી પાંખો ને વિસ્તરવું પડે
ગમે એ પરિસ્થિતિ માં પણ હસતા શીખવી ગઈ,
એક ચકલી મને જીવન જીવતા શીખવી ગઈ..
~ અજ્ઞાત
Recent Comments