વૈષ્ણવ જન તો તેને રે કહીએ…

વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે,
પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે,
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે …

સમ દ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે,
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે …

મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે,
રામનામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે …

વણલોભી ને કપટરહિત છે, કામ-ક્રોધ નિવાર્યા રે,
ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં કુળ ઈકોતેર તાર્યા રે …

 – નરસિંહ મહેતા

Disclaimer

© આ બ્લોગમા રજૂ થયેલી કૃતિઓના હક્કો (કોપીરાઇટ) જે તે રચનાકાર ના પોતાના છે. આ બ્લોગ પર અન્ય રચયિતાઓની રચનાઓ મૂકવામાં આવી છે તેને કારણે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને જણાય અને તેની મને જાણ કરવામાં આવશે, તો તેને તરત અહીંથી દૂર કરવામાં આવશે. Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest.

Translate