કેમ છો ? સારું છે ?

 

કેમ છો ? સારું છે ?
દર્પણમાં જોએલા ચહેરાને રોજ રોજ
આમ  જ  પૂછવાનું  કામ  મારું  છે ?
કેમ છો ? સારું છે ?

અંકિત  પગલાંની  છાપ  દેખાતી  હોય
અને મારગનું નામ ? તો કહે: કાંઈ નહીં,
દુણાતી   લાગણીના   દરવાનો   સાત
અને દરવાજે કામ ? તો કહે: કાંઈ નહીં;
દરિયો  ઉલેચવાને  આવ્યાં  પારેવડાં
ને  કાંઠે  પૂછે   કે   પાણી  ખારું  છે ?
કેમ છો ? સારું છે ?

પાણીમાં   જુઓ   તો   દર્પણ  દેખાય
અને  દર્પણમાં  જુઓ  તો  કોઈ નહીં,
‘કોઈ નહીં’ કહેતામાં ઝરમર વરસાદ
અને  ઝરમરમાં  જુઓ તો કોઈ નહીં;
કરમાતાં   ફૂલ   ખરતાં  બે  આંસુઓ
ને   આંખો  પૂછે  કે  પાણી  તારું છે ?
કેમ છો ? સારું છે ?

– ચિનુ મોદી

કવિ શ્રી ચિનુ મોદીને તા.૨૮ ઓક્ટોબર ૨૦૧૦નાં રોજ ‘વલી ગુજરાતી એવોર્ડ’ થી સમ્માનિત કરવામાં આવ્યા.

કવિ શ્રીની ખૂબ જ સુંદર રચના.

તેમની આ રચના તેમનાં જ અવાજમાં સાંભળી શકો છો –

 

Advertisement

મિલેનિયમ રાધાનું ગીત

રાધાએ સાડીને કબર્ડમાં મૂકી ને પહેરવા માંડ્યું છે હવે પેન્ટ
હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ

બિચારો શ્યામ ઘણો કન્ફયુઝ થયો છે એને રાધાની લાગ્યા કરે બીક
વાંસળીના સૂરોથી ન રાધા રોકાય એને વાંસળીથી આવે છે છીંક
રાધા તો પ્લાસ્ટિકનાં ફૂલ ગૂંથે કેશમાં ને ઉપર લગાવે છે સેન્ટ
હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ

રાધા ક્હે શ્યામ તમે માખણના બદલામાં ચોરી લાવો હીરાનો હાર
વળી ગાય ઉપર બેસવાનું ફાવે નહીં શ્યામ તમે લઇ આવો મારુતિકાર
રે’વાને ફ્લેટ મારે જોશે ઓ શ્યામ, મને ફાવે નહીં તારો આ ટેન્ટ
હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ

વૃંદાવને શ્યામ મને મળવું ગમે નહીં તું મળવાને હોટલમાં આવ
મારી સહેલીઓને ઇમ્પ્રેસ કરવાને તું હાથોમાં સેલ્યુલર લાવ
રાધા તો ઠીક ઓલી ગોપીઓય આજકાલ શ્યામની કરે છે કોમેન્ટ
હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ

–  અશોક ચાવડા ‘બેદિલ’

 

(આભાર: http://webmehfil.com/blog/2009/08/10/%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B2%E0%AB%87%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AF%E0%AA%AE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%97%E0%AB%80%E0%AA%A4-%E0%AA%85%E0%AA%B6%E0%AB%8B/ )

 

पांडूरंगाय नम: !!

પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (ઓક્ટોબર ૧૯, ૧૯૨૦ – ઓક્ટોબર ૨૫, ૨૦૦૩) ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ પ્રદેશમાં રોહા નામનાં ગામમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા અને પિતા વૈજનાથ આઠવલે (શાસ્ત્રી) તથા માતા પાર્વતી આઠવલેનાં પાંચ સંતાનો પૈકીના એક હતા, જેઓ “શાસ્ત્રી” તેમ જ “દાદાજી” તરીકે પણ ઓળખાય છે.

પાંડુરંગ શાસ્ત્રી પોતે હિન્દુ ધર્મના શાસ્ત્રોના પ્રખર વિદ્વાન હતા. તેમણે હિન્દુ ધર્મના મહાગ્રંથ ગીતાનાં જ્ઞાનને સરળ શૈલીમાં સમજાવી સામાન્ય લોકો સુધી પહોચાડવાનો પુરુષાર્થ આદર્યો હતો. એના પરિણામ સ્વરૂપ સ્વાધ્યાય પરિવારની સ્થાપના થઇ, જેમાં આજે લાખો લોકો હોંશે હોંશે સક્રિયપણે જોડાયેલા છે. આ પરિવારમાં વિદ્વાનોથી માંડી સામાન્ય માનવી જોવા મળે છે. પાંડુરંગ શાસ્ત્રીજીની સરળ શૈલીએ બાળકો, યુવાનો, વયસ્કો એમ આબાલવૃધ્ધ બધાને પરિવારમાં એકસૂત્રે સાંકળી લીધા છે.

પાંડુરંગ શાસ્ત્રીજીને રેમન મેગસેસે એવોર્ડ (Ramon Magsaysay Award), ટેમ્પલટન પુરસ્કાર (Templeton Prize for Progress in Religion, મહાત્મા ગાંધી પુરસ્કાર, લોકમાન્ય ટિળક પુરસ્કાર, પદ્મ વિભૂષણ, એવા વિવિધ પુરસ્કારો એનાયત થયા છે. એમનો જન્મદિવસ સ્વાધ્યાય પરિવાર દ્વારા જગતભરમાં મનુષ્ય ગૌરવ દિન અથવા માનવ ગરિમા દિન તરીકે ઉજવવામાં આવે છે

(Source: http://gu.wikipedia.org/wiki/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%82%E0%AA%A1%E0%AB%81%E0%AA%B0%E0%AA%82%E0%AA%97_%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80_%E0%AA%86%E0%AA%A0%E0%AA%B5%E0%AA%B2%E0%AB%87

)

આજે ૧૯ ઓક્ટોબર પરમ પૂજ્ય દાદા નાં જન્મદિન (“મનુષ્ય ગૌરવ દિન” અથવા “માનવ ગરિમા દિન”) નિમિત્તે આદરપૂર્વક અને વંદનપૂર્વક, ભૂતકાળ મેં રજૂ કરેલા વ્યક્તવ્યનાં અંશો પ્રસ્તૂત કરું છું :

“प्रभु हमारे साथ है, क्यों बने हम दीन ? हमारा दिन, मनुष्य गौरव दिन !!”

મારા સ્વાધ્યાયી વડીલો તથા મિત્રો,

આજે હું આપની સમક્ષ એક ધ્રુષ્ટતા કરવા માગું છું.રજકણ સૂરજ થવાનો કે સૂરજને આંબવાનો પ્રયત્ન કરે તેવો જ આ એક બાલિસ પ્રયાસ છે.ક્યાં સૂર્ય જેવા ઝગમગતા તેજપુંજ દાદા અને ક્યાં તેમનાં વિષે બોલનારો આ રજકણરૂપી બાળક હું ? પરંતુ ખુદ સૂર્ય પર પ્રકાશ પાડવાની મારી આ ચેષ્ટાને આપ ‘બાળહઠ’ ગણી ક્ષમ્ય ગણશો.

મરાઠીમા મોટાભાઈને ‘દાદા’ કહે છે.એ સૌના મોટા ભાઈ જેવા લાગે છે અને દાદા જેવા વયોવૃદ્ધ તો ક્યારેય લાગતા નથી.સફેદ વસ્ત્રો, કબીરની ડાઘાડૂઘ વગરની ચાદર જેવા દ્રઢ સંકલ્પથી ઘડાયો હોય તેવો સશક્ત દેહ છે.ચશ્માં પાછળ દેખાયા કરતી સ્નેહાર્દ આંખો અને મંદિરમા ધજાની જેમ વારેવારે વાતચીતમા ફરકતું હાસ્ય તેઓની ખૂબી છે.

સમાજ સંત તરીકે સ્વીકારે એટલે તેમણે ભગવા નથી ધારણ કર્યા કે નથી પોતાના શિષ્યવૃંદ પાસે ભગવા પહેરાવ્યા.દુનિયાનાં આધ્યાત્મિક પુરુષોની પરદેશમા એક પરિષદ હતી.સૌ પોતપોતાનો પરિચય આપવાના હતા.પાંડુરંગ શાસ્ત્રીજીનો વારો આવ્યો ત્યારે તેમણે કહ્યું કે –  “Self Introduction is not our culture”.

તેમણે ગામેગામ મંદિર બાંધવાની પ્રવૃત્તિ કરી છે પરંતુ કેવળ પૈસાથી બંધાય તે મંદિર નથી હોતું.તેઓ ગામ નાં દરેક માણસને મંદિરનાં બાંધકામમા સાંકળે છે.દરેકને લાગે કે આ મંદિર અમારું છે.આ રીતે લોકો મા આત્મીયતા કેળવાય.કોઈ ગામમાં લીલુંછમ મંદિર હોય તો અવશ્ય જાણજો કે તેની પાછળ દાદાનો જ હાથ હોય.પાંડુરંગ શાસ્ત્રીજીએ તેમના યોગેશ્વર કૃષિ, વૃક્ષમંદિર, અમૃતાલય, શ્રીદર્શનમ્, હીરા મંદિર, મત્સ્યગંધા, ગોરસ ઇત્યાદિ સેંકડો કાર્યક્રમો દ્વારા મનુષ્ય ઉત્થાનની પ્રવૃત્તિઓ કરી છે.

ભાવનગરમા એક મંદિરનાં ઉદઘાટન પ્રસંગે તેઓએ મુસલમાનો ને પણ આમંત્રણ આપ્યા.ત્યાંનાં મુસલમાનો ને પણ નવાઈ લાગી.હિંદુઓને ત્યાં લગ્નનાં તેમણે આમંત્રણ મળતા હતાં.પરંતુ ધાર્મિક વિધિનું આ પહેલું જ આમંત્રણ હતું.દાદાએ કહ્યું – અલ્લા અને ઈશ્વર જુદા હોય તો એ લોકો જ લડતા હોત અને મુસલમાનનાં અલ્લા કે હિંદુઓનાં ઈશ્વર એકબીજાની વસ્તી પર વરસાદ જ ન વરસાવતા હોત.

તેમનાં મંદિરમા પણ સાદાઈનું ધોરણ એ સૌથી મહત્વની વસ્તુ.એક ઉત્સાહી ભાઈએ મંદિરમાં આરસ વાપરવાનું સૂચન કર્યું.ત્યારે દાદા કહે આરસ ફાઈવ સ્ટાર હોટલની બાથરૂમમા વપરાય છે.શું આપણે  ભગવાન ને એ સ્તર પર મૂકવા છે ?

માછીમારોની દુનિયામા તેમણે જબરદસ્ત પરિવર્તન આણ્યું છે અને તેઓને વ્યસનમુક્ત કર્યા છે.દાદા જન્મે મરાઠી હોવા છતાં ગુજરાતી ભાષા પર તેમનું પ્રભત્વ અદભૂત છે.તેઓ હંમેશા કર્મપ્રેરિત વચનો આપે છે.દાદા કહેતા કે “આજની પ્રચલિત ભકિત શાસ્ત્રોકત નથી. કારણ કે પરમાત્મા જે સાઘ્ય છે તેને લોકોએ પોતાની ભૌતિક આવશ્યકતાઓ પૂરી પાડવાનું અથવા તો ભીતિથી તેમનું રક્ષણ કરવાનું એક સાધન બનાવી દીધા છે.” દાદા બાળકો – યુવાનોને વિકાસલક્ષી પ્રવૃત્તિમા સક્રિય કરી રહ્યા છે.તેઓએ અનેક માણસો ને કર્મયોગ મા જોડ્યા છે.તેઓ એ ‘ડિવાઈન બ્રધરહૂડ અંડર ધી ફાધરહૂડ ઓફ ગોડ’ની ભાવના લોકોમા જાગૃત કરી.દેશ અને પરદેશમા દાદાનાં લાખો અને કરોડો ચાહકો છે.તેમની વૃતિ અને પ્રવૃત્તિમા ગીતાનાં અધ્યાયનો રણકાર છે.તેઓ આ યુગનાં ‘યુગપુરુષ’ છે.

“કૃષ્ણમ વંદે જગદગુરૂ”

જય યોગેશ્વર

તા. ૨૧/૮/૧૯૯૯

બાળ-સ્વાધ્યાય કેન્દ્ર, વડોદરા ખાતે આપેલ વ્યક્તવ્ય

જગત અવાશિયા

 

ફનેડો….!

સનેડો એ ગુજરાતી લોકસંગીત નો એક ભાગ છે. સનેડો નૃત્ય કરતાં કરતાં ડાકલીના તાલે ગવાય છે. આ નૃત્ય સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં પરંપરાગત પ્રચલિત છે. સને ૨૦૦૪-૨૦૦૫ની સાલમાં મણીરાજ બારોટ નામના કલાકાર થકી સનેડો આખા ગુજરાત રાજ્યમાં અત્યંત લોકપ્રિય થયો. ગુજરાતની જનતા વરઘોડો,ગરબા જેવા પ્રસંગોમાં સનેડાના તાલે નાચી ધૂમ મચાવતા જોવા મળે છે.

(Source: http://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%A8%E0%AB%87%E0%AA%A1%E0%AB%8B)

સનેડા પર થી પ્રેરણા લઇ

સનેડો નહી, પરંતુ “ફન”(fun) નો ફનેડો રજૂ કરું છું :

(ફોટો : યુનાઇટેડ વે ઓફ બરોડા – ગરબા ગ્રાઉન્ડ,વડોદરા)

એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો  નવલો ફનેડો,

કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,

કે હમજી હકાય તો હાંભળજો લાલ  ફનેડો…!

કે તૈણ માહ પે’લા થી જ હરખાતા,

ને પાછા “પાસ” લેવા મૂકતા  દોટ,

નવ દિ’ હારું નેવું દિ’ પે’લે થી હજતા-ધજતા, લાલ ફનેડો…!

એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો  નવલો ફનેડો,

કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,

કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!

કે ‘બાઈ’કુ  ને મોટર લઇ ઓમતેમ ફરતા,

ને પાછા મેદાન પર ટોઈમ પર પોં ‘ચતા,

ટોળકી બનાઈ ને  ઘૂસ મોરતા,   લાલ ફનેડો… !

એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો  નવલો ફનેડો,

કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,

કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!

કે દોંડિયા ને બદલે ઓયલો મોબાઈલ ફેરવતા,

ને દોઢિયા ની હારે “ડિસ્કો ગરબાયે” હલાવતા,

મન મૂકી મોજમાં ઓમ તેમ  ઘૂમતા , લાલ ફનેડો…!

એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો  નવલો ફનેડો,

કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો

કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!

કે ધીમા તાલ મા ત્રણ તાલી ખરી,

ને ‘મુંબઈની ગોડી’મા સફર પણ ભલી,

પણ મારો  ‘ફનેડો’ તો બારે માસ , લાલ ફનેડો…!

એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો  નવલો ફનેડો,

કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,

કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!

કે ગરબા પછી, બર્ગર-પિત્ઝા ને સેન્ડવિચ ઝાપટતા,

ને ભાઈબંધ-સખીયુ સાથે  હરુભરુ પણ થાતા,

છેલ્લા દિ’ એ ફરી વાટ જોતા નવરાતની , લાલ ફનેડો…!

એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો  નવલો ફનેડો,

કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,

કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!

– જગત નિરુપમ

સે સોરી માય સન…

આજે નવરાત્રિ ની  એક રાત્રિ એ નાનકડા ભૂલકાઓની નવરાત્રિ માણવાનો મોકો મળ્યો. ભૂલકાઓને મન મૂકીને સંગીતનાં તાલ સાથે ઝૂમતા જોવા નો આનંદ અનેરો હતો…આ પળો માણતા માણતા હું પણ ફરી એકવાર બાળક બની ગયો !

પણ ત્યાં જ “બેસ્ટ ગરબા પ્લેયર કોમ્પીટીશન” (મેલ અને ફીમેલ) નાં પરિણામની જાહેરાત થઈ અને મેડલ એનાયત થયા…!

“બસ ને….એ નિર્દોષ ને આ ભક્તિનાં-શક્તિનાં અને આનંદનાં પર્વ મા પણ રેસ નો ઘોડો બનાવી દીધો ! “

અને રઈશસાહેબ ની આ સુંદર રચના મગજમા ચકરાવા લાગી.

 

સે સોરી માય સન,

સે સોરીછ છ કલાક સ્કૂલ,ત્રણ ત્રણ કલાક ટ્યુશન,

ને તોય આ નોટ તારી કોરી,સે સોરી..

ઘસી ઘસી પીવડાવી અઢળક બદામ,

અને માથે તે ચોપડ્યું ઘી.

યાદદાસ્ત માટે શંખપુષ્પીની કંઈ

બાટલીઓપેટમાં ભરી.

કેમે કરી યાદ રહેતું તને લેસન,

યાદ રાખે તું સીરીયલની સ્ટોરી, સે સોરી..

પંખીઓ બચ્ચાને ઉડતાં શીખવે,

માણસ બચ્ચાને આપે પિંજરું,

મમ્મી તો મોરની પ્રેક્ટીસ કરાવે,

થાય બાળકને ટહુકા ચીતરું.

મમ્મી ક્યાં જાણે કે કોઈ નોટબુકમાં

બાળક લાવ્યું છે આભ આખું દોરી, સે સોરી..

તારે હો ઊંઘવું ને ત્યારે જગાડું

ને જાગવું હો ત્યારે સુવાડાવું,

પરીઓના દેશમાંથી ઉડતો ઝાલીને

તને રીક્ષામાં ખીચો ખીચ ઢાસું.

ભણતરનો ભાર એવો દફતરનો ભાર,

જાણે ઊંચકે મજૂર કોઈ બોરી, સે સોરી

–  રઈશ મણીયાર

સ્વર : શ્યામલ-સૌમિલ મુન્શી

ગાંધીજયંતિ મુબારક !

(2 October 1869 – 30 January 1948)

કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો,

બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો.

ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?

ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

– શેખાદમ આબુવાલા

Disclaimer

© આ બ્લોગમા રજૂ થયેલી કૃતિઓના હક્કો (કોપીરાઇટ) જે તે રચનાકાર ના પોતાના છે. આ બ્લોગ પર અન્ય રચયિતાઓની રચનાઓ મૂકવામાં આવી છે તેને કારણે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને જણાય અને તેની મને જાણ કરવામાં આવશે, તો તેને તરત અહીંથી દૂર કરવામાં આવશે. Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest.

Translate