કવિતા,
શિયાળુ રાત્રિએ તાપણું પેટાવે,
ઝાડને ગળચટ્ટી છાયડી પાડતા
શીખવે ઉનાળામાં,
ચોમાસામાં કહે વરસાદને –
ખાબકી પડ
શું શું બનવાનું હોય કવિતાએ?
કાચ સાંધવાનું રેણ ?
ભૂખ્યાનું અન્ન ?
અનિંદ્રાના દરદીની ઊંઘ?
સૈનિકના ઘાવ પર પાટો?
હા !
શિશુના કલશોરનો ઉત્સવ ઉજવવાનો હોય,
ચુંબન તરસ્યાં ફૂલો માંટે પતંગિયાં બનવાનું હોય,
માતાનાં સ્તનમાં દૂધ બનવાનું હોય,
શયનખંડના શુષ્ક એકાંતમાં
મધુર ઐક્ય રચવાનું હોય કવિતાએ.
કવિતાએ શું કરવાનું હોય?
જ્યાં ઈશ્વરના હાથ ન પહોંચે
ત્યાં પહોચવાનું હોય કવિતાએ.
– એ બધું તો ખરું જ,
પણ સૌથી મોટું કામ એ કે,
તેણે આખું ગામ ઊંઘતું હોય ત્યારે
જગાડવાનો હોય કવિને
– રમેશ પારેખ
પઠન : જગત અવાશિયા
Recent Comments