03 Sep 2010
by Jagat Nirupam
in Liked (Prose)
શ્યામ, તમે આવો છો ને…? |
ઓફબીટ – અંકિત ત્રિવેદી |
|
શ્યામ,
મોરીપીંચ્છનો રંગ ઊડી જાય તે પહેલાં…
વાંસળીને ઉધઈ લાગી જાય તે પહેલાં…
તમે આવો છો ને…!
સોરી, ગયા વર્ષની જન્માષ્ટમી પછી સીધા આજે જ મળાયું!
અમે હવે રાસ નથી રમતાં,
શ્વાલ લઈએ એ પૂરતું છે.
મનની ચરબી શરીરનો ભાગ થઈ ગઈ છે.
અમે તમને સાવ જ ભૂલી ગયાં છીએ
એવું પણ નથી…!
યાદ કરીએ છીએ દર જન્માષ્ટમીએ…
યાદ કરીને તમને ખુલ્લો જુગાર રમીએ…
વરસના વચલા દિવસે કવિઓ કવિતામાં સંભારે છે તમને…
ત્યારે તમે આંખો મીંચીને અમને સાંભળતા હોય
એવું લાગે છે…
અમારી આંખો તો નીંદરે આંધળી કરી નાંખી છે.
વધારે પડતા જોવાતા સપનાઓએ, ઓછી આવતી
ઉંઘે અમારા નંબર વધારી દીધા છે…
તમને જોવાનું – રૂ-બ-રૂ મળવાનું સુખ
શ્વાસોમાં મૃગજળ ઊછેરે છે…
એકવીસમી સદીના મ્યુઝીયમમાં મગરના આંસુ પણ
સાચવવા પડે એવા છે.
સાચ્ચા આંસુ તો તમારા વગર સ્હોરાય છે…
તમે એક પછી એક બઘું છોડતા ગયા
અથવા છૂટતું ગયું તમારાથી…
અમારી પાસે તો કશું છે જ નહીં,
તું પણ નથી…! શું છોડીએ?
ગીતામાંથી
અમને ગમે તેવાં અર્થઘટનો કરીએ…
રેતીના દરિયામાં સુક્કી જળની માફક સરીએ…
અમે કંટાળી જઈએ છીએ
ત્યારે શોધીએ છીએ મોબાઈલના નેટવર્ક વગરના સ્થળને…
અને અમને એકલતા ઇ-મૅઇલ પર
મોકલે છે હયાતીએ છૂપ્પી રીતે
ત્વચાઓથી અકળાઈ જઈને પાડેલા નગ્ન ફોટોગ્રાફ…
શ્યામ, કરી દો માફ…
આ જનમમાં રાધા બનવું નથી સહેલું…
તમે હોવ સામે ને તો પણ તમે રહો ના સાથે – એ તો
કેવી રીતે ચાલે?
હૃદય કરતા સમય ક્યારેક વધારે મહાન બની જાય છે.
તમે અર્જુનની શોધમાં છો અને અમે તમારી…
મૃત્યુને ટાણે કરમાઈ જતાં પોપચાં તમારું સપનું લઈને
ઊછરેલી પાંપણો છે… એને ખાતર તો આવો…
ભૂલ કરીને દાન કરવાનું તમારા હાથે બંધ કરાવો…
મન કદીયે મીરાં થવાનું પણ નથી
જે વ્યક્તિને જોઈ નથી એને આખી જિંદગી પ્રેમ
કેવી રીતે કહી શકાય?
સાબિતીને આધારે જ અમારી હયાતી ટકવાની…
અમે છાતી ઉપર રોજ રાત્રે ઇચ્છાઓના
પતંગિયાઓને ઊડાડનારા….
અમને મીરાંની લાઈફસ્ટાઈલ ન ફાવે…
અને તમને પણ…
છપ્પન-ભોગના થાળ…
પાન-બીડાનો રસથાળ…
આરતીની અમીરાઈ… તમારી આગળ પાછળ
ભક્તોની ભલમનસાઈ…
ભીડનો ભારે શોખ લાગે છે તમને!
એકલા પડવાનું મન નથી થતું?
સુદામાના તાંદુલ એમ મંદિરમાં બેઠા બેઠા ન પચે…
હજુય કહું છું…
મોટા થઈ ગયા તો શું થયું?
આપણી રમત તો નાદાન છે ને?
વાંસળીના સૂરથી ઘેલી કરીશું ગોપીઓને…
પાઠ ભણાવીશું પાપીઓને… વિસ્મયને અકબંધ
રાખીને…
દુનિયાદારી એકબાજુ પર નાંખીને…
અમને ‘તારામાં’ રસ છે…
તારા ‘કૃષ્ણત્વ’માં નહીં…
ચાલો, પેલા ઝરણાની ચાલે… વહેતા પવનના તાલે…
ફરીથી વાંસળીનો સૂર મેળવીએ…
રાધાને સામેથી મળવા જઈએ…
મીરાંને એકતારા પર સાંભળીએ…
દિવસ વિતી જાય અને ક્ષણ ચૂકી જવાય એ પહેલાં…
વાંસળીને ઊધઈ લાગી જાય એ પહેલાં…
મોરપીંચ્છનો રંગ ઊડી જાય એ પહેલાં…
–અંકિત ત્રિવેદી
(આભાર સહ : http://www.gujaratsamachar.com/20100901/purti/shatdal/offbit.html)
|
|
|
Like this:
Like Loading...
Related
Previous કૃષ્ણકવિતા Next Big B’s Thoughts
Recent Comments