હા, ઉદાસ થયો હતો.
એટલા માટે કે
તું ઉદાસીને ય સભર કરી શકે છે.
થાક્યો હતો
તે પણ એ કારણે કે
તું થાકનું રૂપાંતર કરી શકે છે, પતંગિયામાં.
હસ્યો ય એમ સમજીને
કે એમાં તું પણ ભાગ પડાવશે.
રડ્યો, રિસાયો પણ એટલા સારું
કે શું ચિંતા છે?
તું છે ને! મનાવી લેશે, વળગાડી લેશે છાતીએ.
પણ જો તો! કેવું થાય છે?
ખેર, અહીં ધારણાઓ ઊંધી વળી જવી
એ નવી વાત નથી.
તારે પણ તારી દુનિયાદારી હતી.
મને કોઇ ફરિયાદ નથી.
છે માત્ર વિરોધ –
હવે મારાં ક્ષણોનાં આ ચીંથરાંઓને
‘જિંદગી’ એવું નામ અપાય છે એની સામે
– રમેશ પારેખ
Recent Comments