‘જિંદગી’

હા, ઉદાસ થયો હતો.
એટલા માટે કે
તું ઉદાસીને ય સભર કરી શકે છે.

થાક્યો હતો
તે પણ એ કારણે કે
તું થાકનું રૂપાંતર કરી શકે છે, પતંગિયામાં.

હસ્યો ય એમ સમજીને
કે એમાં તું પણ ભાગ પડાવશે.

રડ્યો, રિસાયો પણ એટલા સારું
કે શું ચિંતા છે?
તું છે ને! મનાવી લેશે, વળગાડી લેશે છાતીએ.

પણ જો તો! કેવું થાય છે?
ખેર, અહીં ધારણાઓ ઊંધી વળી જવી
એ નવી વાત નથી.
તારે પણ તારી દુનિયાદારી હતી.

મને કોઇ ફરિયાદ નથી.
છે માત્ર વિરોધ –
હવે મારાં ક્ષણોનાં આ ચીંથરાંઓને
‘જિંદગી’ એવું નામ અપાય છે એની સામે

– રમેશ પારેખ

Advertisement

માણસને નકામો કરી દીધો છે

કેવો અજબ દુનિયાએ દસ્તુર કરી દીધો છે !!
એક કામના માણસને નકામો કરી દીધો છે.

ભણતરના નામે ગણતરમાં લૂલો કરી દીધો છે.
સંબંધોમાં નફાનો હિસાબ ઉમેરતો કરી દીધો છે.

ભક્તિના નામે બાવાઓ ને નમતો કરી દીધો છે.
પ્રાણ વગરની મૂર્તિઓને પુજતો કરી દીધો છે.

ડાહ્યો કહી ચિઠ્ઠીનો ચાકર કરી દીધો છે.
ગાંડો કહી સાચું બોલતો બંધ કરી દીધો છે.

માયાએ કાયાને પ્રેમ કરતો કરી દીધો છે.
પ્રેમ કહી વાસનામાં રમતો કરી દીધો છે.

તમે મારા આત્માને ખોખલો કરી દીધો છે.
ને મને, દુનિયાદારી કરતો કરી દીધો છે

— શૈલ્ય

Disclaimer

© આ બ્લોગમા રજૂ થયેલી કૃતિઓના હક્કો (કોપીરાઇટ) જે તે રચનાકાર ના પોતાના છે. આ બ્લોગ પર અન્ય રચયિતાઓની રચનાઓ મૂકવામાં આવી છે તેને કારણે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને જણાય અને તેની મને જાણ કરવામાં આવશે, તો તેને તરત અહીંથી દૂર કરવામાં આવશે. Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest.

Translate