બાંકડો…!!


તા. ૨૭ જૂન,રવિવાર ની સવાર ! ચૌદ વર્ષ બાદ મેં મુલાકાત લીધી એ ભૂમિ ની જ્યાં મેં મારા બાળપણ નાં કીમતી વર્ષો વિતાવ્યા હતા ! ખેડા જિલ્લાનું ધુવારણ એટલે મારા માટે તો મારી સુમધુર બચપણ ની યાદો નું એક પાવરહાઉસ ! અહીં આવેલા ગેસ્ટહાઉસ પાસેના બગીચા નો એ જ બાંકડો કે જે વર્ષો સુધી અમારી ઘણી બધી યાદો નો જાણે જીવંત સાક્ષી બની ગયો હતો ! દરેક જીવંત કે નિર્જીવ પદાર્થ નાં જીવન માં એક સમય આવે કે જયારે તેની રોનક અને જાહોજલાલી ચરમસીમા પર હોય ! આવા જ “Golden Period” ને એક જમાના માં નિહાળનાર એ બાંકડો, એ દિવસે જાણે થોડા માં ઘણું બધું કહી ગયો !

આ સાથે પ્રથમ વાર આ રચનાને ઓડીયો સ્વરૂપે પણ આપની સમક્ષ રજૂ કરું છું !

ચાલતા ચાલતા આજ સવારે મળ્યો હું એક બાંકડા ને,
પાસ જઈને હળવેથી મેં કર્યો એક સવાલ –
“કેમ ભાઈ ! પડી તુજને મારી ઓળખાણ ?”
આંખ ઉઘાડી,મુખ સંવારી ,વર્ષોથી એ મૂક બનેલો !

મને એમ કે હમણાં મુજને કરશે એક સવાલ —
“ઓળખાણ આપશો શ્રીમાન ?? “
ત્યાં તો અહીં બન્યું જ તદ્દન વિપરીત !
વૃદ્ધ છતાં પણ મક્કમ સાદે આવ્યો એક જવાબ :

બેટા ! તને તારી ખુદ ની પણ ઓળખ ન હતી,
તે દિન થી તુજ ને હું ઓળખું,
આજ મોટો થઇ તુ પૂછે મુજ ને કે
પડી મારી ઓળખાણ ?

ચાલતા પણ તુ અહીં જ શીખ્યો ‘ તો ને ,
બે પૈડા પર અહીં જ ફરતો ‘તો !
રમતો હોય કે હોય ઉજાણી
રાતદિન તુ અહીં જ ખીલ્યો ‘ તો !

મિત્રો સાથેની મહેફીલો નાં, પડઘા હજી પણ ગૂંજે !
આ જ ખુશીને કાળે, મારી એક થપાટ !
મિત્રો છીનવ્યા,સ્વજનો છીનવ્યા,છીનવી મારી રોનક !
આજે તો હું સાવ અટૂલો,મહી કિનારે,મુખ નમાવી,વજ્રાસન માં બેઠો !

“ફરી મળીશું “ એમ કહીને મેં વિદાય લીધી ત્યાંથી !!

એની યાદો ?? એની લાગણી ?? એની વેદના ??
શું હતું એ કઈ જ ન સમજાયું !
જે પણ કઈ હતું, એ સંવેદના નો….
ચિર સ્મરણીય અનુવાદ ભીનો લાગ્યો !

– જગત નિરૂપમ

Disclaimer

© આ બ્લોગમા રજૂ થયેલી કૃતિઓના હક્કો (કોપીરાઇટ) જે તે રચનાકાર ના પોતાના છે. આ બ્લોગ પર અન્ય રચયિતાઓની રચનાઓ મૂકવામાં આવી છે તેને કારણે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને જણાય અને તેની મને જાણ કરવામાં આવશે, તો તેને તરત અહીંથી દૂર કરવામાં આવશે. Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest.

Translate