ઈશ્વર સાથે ચેટિંગ


એક વખત હું મારા લૅપટૉપ પર ચેટિંગ કરતો હતો. ત્યાં મને ઈશ્વરનો ઓનલાઈન ભેટો થઈ ગયો.
ઈશ્વર : ‘શું તું મારી સાથે ચેટિંગ કરવા માંગે છે ?’
હું : ‘ના, મેં તમને બોલાવ્યા નથી. તમે કોણ છો ?’
ઈશ્વર : ‘વત્સ ! હું આ સમસ્ત બ્રહ્માંડનો અને આ સૃષ્ટિનો સર્જક છું….ઈશ્વર છું.’
હું : ‘હું કેવી રીતે માનું કે તમે ઈશ્વર છો ? તમારા જેવા તો ઘણા પોતાની જાતને અહીં ‘ભગવાન’ કહેવડાવે છે.’
ઈશ્વર : ‘માનવું કે ન માનવું એ તારી મરજીની વાત છે. મને તેનાથી કોઈ ફરક નથી પડતો. તને જો તારી જાતમાં વિશ્વાસ ન હોય તો પછી મારામાં ક્યાંથી હોય ?’
હું : ‘ઓ.કે. પરંતુ હું અત્યારે નવરો નથી. તમારી સાથે વાત કરવાનો મને સમય નથી. તમે જાણો છો કે હું કેટલો વ્યસ્ત છું ?
ઈશ્વર : ‘વ્યસ્ત તો કીડી મંકોડા પણ આખો દિવસ હોય છે !’
હું : ‘તમને ખબર નથી કે અમારે કેટલું કામ હોય છે. જિંદગી કેટલી ઝડપી થઈ ગઈ છે. અત્યારે ‘પીક અવર્સ’ ચાલે છે.

ઈશ્વર : ‘ભાઈ, સવારના પહોરમાં તું છાપાઓમાં ભરેલો દુનિયાભરનો કચરો મગજમાં ઠાલવે છે. એટલું ઓછું હોય તેમ, અત્યારે તારા ‘પીક અવર્સ’માં ઈન્ટરનેટથી બીજા વધારે કચરાનો ઉમેરો કરે છે. આને તું વ્યસ્તતા કહે છે ? તને તારા માટે ફુરસદ ન હોય તો મારા માટે તો ક્યાંથી હોય ? પણ મને થયું ચાલ, ઈન્ટરનેટ પર તો તું ચોક્કસ મળી જ જઈશ અને તને એ વધુ અનુકૂળ પડશે; જેમ તું તારા પુત્રોને મોબાઈલ પર જ મળી લે છે ને તેમ !’
હું : ‘જો તમે ખરેખર ઈશ્વર હોવ તો મને જવાબ આપો કે જિંદગી આટલી બધી ગુંચવણભરી કેમ બની ગઈ છે ?’
ઈશ્વર : ‘જિંદગીનું બહુ પિષ્ટપેષણ કરવું સારું નહિ. અતિશય ઉપભોક્તાવાદ અને આડેધડની તૃષ્ણાઓ ઓછી કરીને સહજ રીતે જીવ, બેટા !’
હું : ‘તમને ખબર છે કે અમારું જીવનધોરણ કેટલું ઊંચું થઈ ગયું છે ?’
ઈશ્વર : ‘હા, ફક્ત તારું જીવનધોરણ જ ઊંચું ગયું છે, જીવન ઊંચું નથી ગયું… એ જ તો તકલીફ છે ને !’
હું :‘તો શું અમારે પાછા જવું ? પાછા ફરવું તો અમારે માટે શક્ય જ નથી.’
ઈશ્વર : ‘મેં તને પાછા ફરવાનું કહ્યું નથી, પરંતુ ધારે તો તું નવેસરથી શરૂઆત તો કરી શકે ને ? ટેકનોલૉજીએ ઊભા કરેલા તારા પ્રશ્નોને દૂર કરવા માટે તારે જ કોઈ નવી ટેકનોલોજી વિકસાવવી પડશે !’
હું : ‘અમે કાયમ ઉદાસ, નિસ્તેજ અને દુ:ખી કેમ હોઈએ છીએ ?’
ઈશ્વર : ‘હરીફાઈમાં સતત આગળ નીકળવા તેં તારી જાતને ‘ઉંદરદોડ’માં મૂકી દીધીછે.

પહેલાં તું સફળતા માટે દોડતો હતો, હવે તું સફળતા ટકાવી રાખવા દોડે છે ! આમ, તારા માટે દોડાદોડ કરવા સિવાય કશું જ બચ્યું નથી. તું હવે તો ખડખડાટ હસવાનું પણ ભૂલી ગયો છે. સતત ચિંતા કરવી અને અસલામતીનો ભય રાખવો એ જ હવે તારો સ્વભાવ થઈ ગયો છે. તો પછી ઉદાસ ને દુ:ખી જ રહેવાય ને ?’
હું : ‘પણ તમને ખબર છે કે અમે સતત લટકતી તલવાર નીચે કામ કરતાં હોઈએ છીએ. અમારે અમારા ટારગેટ સમયસર પૂરા કરવાના હોય છે અને બીજી બાજુ મકાનના હપ્તાં, બાળકોની ફી ભરવાની હોય છે. કોઈક વાર તો ગાડીના હપ્તાં ભરવાના પણ બાકી રહી જાય છે. તો પછી ચિંતા કેમ ન થાય ? ભાવિ બધું જ અનિશ્ચિત દેખાય છે.’
ઈશ્વર : ‘એ તો ભાઈ જો, જગતમાં મૃત્યુ સિવાય બધું જ અનિશ્ચિત છે. કેટલી બાબતોની ચિંતા કર્યા કરીશ ? ચિંતા કરવી કે નહીં એ તારા હાથની વાત છે.’
હું : ‘પણ એ દરેક અનિશ્ચિતતા સાથે દર્દ, પીડા અને પરેશાની જોડાયેલી હોય છે,એનું શું ?’

ઈશ્વર : ‘વ્હાલા દીકરા ! મેં તારું સર્જન તને પીડા કે દુ:ખી કરવા નથી કર્યું. જો એવું હોત તો મેં તારા જન્મ પહેલાં તારા દૂધની વ્યવસ્થા ન કરી હોત. જિંદગી દુ:ખી થવા માટે નથી. આ બધી પીડા તો તેં તારી જાતે જ ઊભી કરેલી છે. દુનિયાની દોડમાં તું બરાબર ફસાયો છે. કાદવમાં ફસાયેલો માણસ કાદવમાં વધારે ઊંડો ઊતરતો જાય એવું છે ! તેં વાઘ પર સવારી માંડી છે અને હવે તું ગભરાય છે કે વાઘ મને ફાડી ખાશે !
હું : ‘પ્રભુ ! ખરૂં પૂછો તો આટલી બધી પીડાઓ, મુશ્કેલીઓ વચ્ચે અમે કઈ રીતે જીવીએ છીએ એ જ ખબર નથી પડતી.’
ઈશ્વર : ‘તું સતત બહાર ભટકીને ખરેખર થાકી ગયો છે. જરાક તારી અંદર ખોજ કર. થોડું આત્મદર્શન કર. એમ કરીશ તો તને ખબર પડશે કે તું ક્યાં જઈ રહ્યો છે.’
હું : ‘તમે તો ઈશ્વર છો, તો મને કપરા સંજોગો અને મુશ્કેલીના સમયમાં ટકવાની ચાવી બતાવો ને !’
ઈશ્વર : ‘તારામાં પણ અપાર શક્તિ છે. એને ઓળખવાની કોશિશ કર. મુશ્કેલીઓનો સામનો કરવાનો એ જ ઉપાય છે. થોડી ધીરજ, હિંમત, વિશ્વાસ અને ઉત્સાહ રાખ. કપરાં સંજોગો પણ કાયમ કપરાં રહેતાં નથી, એ પણ વહી જવાના છે.’
હું : ‘ચલો, એ તો બરાબર. પણ મને એ પ્રશ્ન થાય છે કે દુનિયામાં લોકો આટલા બધા સ્વાર્થી કેમ થઈ ગયા છે ?’
ઈશ્વર : ‘લોકો જેવા છે તેવા સ્વીકારી લે. બીજાને બદલવાનો મિથ્યા પ્રયાસ ન કરીશ. તારી જાતને ઓળખીને તેને બદલવા કોશિશ કર.’

હું : ‘એ તો હું સમજ્યો પણ મને એ નથી સમજાતું કે દુનિયામાં સારા માણસોને જ કેમ સહન કરવું પડે છે ?’
ઈશ્વર : ‘બેટા, સારા માણસોની જ કસોટી થાય છે. સોનું કસોટીમાંથી શુદ્ધ થઈને બહાર આવે છે. એ રીતે પ્રશ્નો, મુશ્કેલીઓ હકીકતે આંતરિક શક્તિ અને સહનશીલતા વધારે છે.’
હું : ‘તમે હાલની માનવજાત માટે શું માનો છો ?’
ઈશ્વર : ‘એ જ કે, પૈસા મેળવવા માટે સ્વાસ્થ્ય ગુમાવે છે અને પછી સ્વાસ્થ મેળવવા પૈસા ગુમાવે છે ! અર્થાત પૈસાનું પાણી કરે છે ! બાળપણમાં કંટાળો અનુભવે છે અને ઘડપણમાં બાળપણ ખોળે છે. યુવાનીમાં તો એ રીતે જીવે છે જાણે કે કદી મૃત્યુ આવવાનું જ નથી ! જ્યારે કોઈ મુશ્કેલી આવે છે ત્યારે કહે છે ‘મને એકલાને જ આવું કેમ ?’ બાકી ક્યારેય સુખમાં ‘હું એકલો કેમ ?’ એવો પ્રશ્ન એને નથી થતો.
હું : ‘પ્રભુ, તમે જિંદગીને ઉત્તમતાથી માણવાનું રહસ્ય મને કહો.’
ઈશ્વર : ‘તનેહંમેશા સામે કિનારે જ સુખ દેખાય છે. તારી પાસે જે કંઈ છે, જેટલું છે એને ભોગવ. જે નથી એની ચિંતા ના કરીશ. સતત ફરિયાદ અને સરખામણી ન કરીશ. સતત સરખામણી કરીને તેં તારા ઘરમાં પણ આગ લગાડી છે. ભૂતકાળને ભૂલીને વર્તમાનને વિશ્વાસથી વધાવતાં ભવિષ્ય માટે તૈયાર રહે. નફરત અને નકારાત્મક વિચારો છોડી દે નહીં તો એ વધુ જોરથી તારી પાસે આવશે. બીજાને પ્રેમ કર તો આપોઆપ લોકો તને પ્રેમ કરશે. થોડુંક્ષમા આપવાનું પણ રાખ.’
હું : ‘મારો એક છેલ્લો સવાલ એ છે કે મારી પ્રાર્થનાઓ કોઈ દિવસ તમને સંભળાય છે ખરી ?’

ઈશ્વર : ‘બધી જ સંભળાય છે પરંતુ જવાબ આપવાની મારી રીત જુદી હોય છે. મારા જવાબો ભવ્ય પર્વતો, ઝરણાં, નદીઓ, સમુદ્રો અને વૃક્ષોની વનરાજીમાં છે. ભવ્ય સૂર્યોદય અને સૂર્યાસ્તમાં છે. દરરોજ એક સુંદર પ્રભાત થાય છે – આ બધા મારા જવાબો છે. પરંતુ તને તે જોવાની ફુરસદ જ ક્યાં છે ? ચાંદની રાતે કોઈકવાર ખુલ્લા આકાશ સામે શાંતચિત્તે થોડો સમય બેસીને મંદ મંદ વહેતા પવનની લહેરો કે તમરાનું મધુર સંગીત માણ્યું છે ? એ માણતાં શીખીશ તો તને મારા જવાબો મળી જશે.

હું : ‘આપને મળીને ખૂબ સારું લાગ્યું. આ વાર્તાલાપ માટે આપનો ખૂબ ખૂબ આભાર. મારા માટે કોઈ સંદેશ છે ?’
ઈશ્વર : ‘વત્સ ! મારામાં શ્રદ્ધા રાખ. હું તને આ સંસારના બધા ભયોમાંથી મુક્ત કરી દઈશ. જિંદગી એક રહસ્ય છે પણ કોયડો નથી.

મને યાદ કરજે, મારામાં નિષ્ઠા રાખજે. કદીયે હતાશ થઈશ નહીં. તું હાંક મારજે, હું અચૂક હાજર થઈ જઈશ કારણ કે તું મારું સર્વશ્રેષ્ઠ સર્જન છે. તું મને વ્હાલો છે.’

(એક ફોર્વર્ડેડ ઈમૈલ માથી)

Advertisement

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Disclaimer

© આ બ્લોગમા રજૂ થયેલી કૃતિઓના હક્કો (કોપીરાઇટ) જે તે રચનાકાર ના પોતાના છે. આ બ્લોગ પર અન્ય રચયિતાઓની રચનાઓ મૂકવામાં આવી છે તેને કારણે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને જણાય અને તેની મને જાણ કરવામાં આવશે, તો તેને તરત અહીંથી દૂર કરવામાં આવશે. Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest.

Translate

%d bloggers like this: