મને ગમતી વધુ એક સુંદર રચના !! વિટંબણાઓ અને વિરોધાભાસો નું સુંદર શાબ્દિક નિરૂપણ !!
તેમાં પણ શ્યામલ-સોમિલ મુનશી નો સ્વર એટલે જાણે કે સોના મા સુગંધ !
—————————————————————————————————–
પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે
જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે.
વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારે બાજુ હો ખાઇ ખાઇ ને ઊંડી ખીણો
એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચળે ને, ત્યારે સાલું લાગી આવે.
સામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યાં પેટે આંસુ પીને ઊના શ્વાસે
સામેની ફૂટપાથે કોઇ હોટલ આલીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.
તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે
હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.
(આભાર: http://rankaar.com/archives/998#comments )
સ્વર : શ્યામલ-સૌમિલ મુન્શી
May 17, 2010 @ 05:33:49
મુકેશ જોશી ની સુંદર રચના….સામે ની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યા પેટે આંસુ પીને ઊના શ્વાસે, સામે ની ફૂટપાથ કોઈ આલીશાન હોટલ મળે ત્યારે સાલું લાગી આવે ……..
નિરુપમ