કરી લઉં છું
મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું;
પ્રસંગોપાત્ત જીવનમાં પરિવર્તન કરી લઉં છું.
સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું;
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.
મનોબળથી મનોવૃત્તિ ઉપર શાસન કરી લઉં છું;
નયન નિરબળ કરીને રૂપનું દર્શન કરી લઉં છું.
નિરંતર શ્વાસ પર જીવનનું અવલંબન નથી હોતું,
બહુધા હું હ્રદયમાં એક આંદોલન કરી લઉં છું.
અમે પાગલ, અમારે ભેદ શો ચેતન-અચેતનમાં,
પ્રતિમા હો કે પડછાયો હું આલિંગન કરી લઉં છું.
સમય ક્યારે વિસામો ખાય છે ’અકબર’ના જીવનમાં?
વિસર્જન થાય છે નિત નિત નવું સર્જન કરી લઉં છું.
અકબરઅલી જસદણવાળા
જીવનકાળ: જાન્યુઆરી 10, 1910- એપ્રિલ 21, 1996
Apr 10, 2010 @ 04:25:12
Excellent one same is there in my cllection…. diary of 1969.nirupam