ભાષાની ભેળપૂરી


અંગ્રેજી મને ગમે છે. ગુજરાતી મારું સારસર્વસ્વ છે. ગુજરાતી મારી માતા છે. ગુજરાતી મારું ઘર છે. અંગ્રેજી મારી ઓફિસ છે. ગુજરાતી મારું પ્રવેશદ્વાર છે. અંગ્રેજી મારી બારી છે. મુશ્કેલી એ છે કે આપણે અંગ્રેજીને ગેટ વે ઓફ ઈન્ડીઆ બનાવી દીધી છે. પ્રત્યેક ભાષાને એનું પોતાનું રૂપ અને માધુર્ય હોય છે. પ્રત્યેક ભાષાને એની વિશિષ્ટતા અને એનું વ્યક્તિત્વ હોય છે. કોઈ ભાષા સારી કે ખરાબ હોતી જ નથી. પ્રત્યેક ભાષાને એનું નાદસ્વરૂપ અને એનું અર્થસ્વરૂપ છે. વાંધો અંગ્રેજી સામે નથી, અંગ્રેજીના આક્રમણ સામે છે. અંગ્રેજો ગયા પછી આપણે નવા પ્રકારની ગુલામી સ્વીકારી લીધી છે. આપણે અંગ્રેજીના મોહતાજ થઈ ગયા. માતાને અને માતૃભાષાને લાત મારી.
ગુજરાતીઓ એમ માને છે કે અંગ્રેજી બોલવાથી વટ પડે, સમાજમાં મોભો ગણાય. ખાંડવીના વાટા વળતા હોય એવી સ્ટાઈલમાં અંગ્રેજી આપણે ઝીંકીએ છીએ, કોઈને આંજી નાખવાની વૃત્તિ હોય છે. પરિણામ એ આવે છે કે અંગ્રેજી સારું નથી અને ગુજરાતી ખરાબ થતું જાય છે. એક પત્રકારે કહ્યું હતું એમ આપણે અંગ્રેજી–ગુજરાતીની ભેળપૂરી કરીએ છીએ અને ‘ગુજરેજી’ નામની ભાષા ઉપજાવીએ છીએ. મા–બાપ અભણ હોય છતાં પણ એમના છોકરાં અંગ્રેજીમાં બોલતા હોય એનું ગૌરવ છે.
બકોરપટેલ દૂર થતા ગયા અને જેક એન્ડ જિલ આવતા ગયા. રામાયણની વાત પણ આ રીતે થવા માંડી…રામા લીવ્ડ ઈન એ ફોરેસ્ટ. કૃષ્ણની વાત આ રીતે થાય છે. ક્રિષ્નાનો રંગ તો ડાર્ક હતો. એને બટર બહુ ભાવે. ફ્રિજ ખોલબંધ કરે અને બટર લઈ લે. બૉલથી રમ્યા જ કરે. એક દિવસ બૉલ રીવરમા પડ્યો. તે નાગની વાઈફે પછી બૉલને અને લોર્ડ ક્રિષ્નાને બચાવી લીધા………
અંગ્રેજી બોલવાનો આપણને મોહ છે…આવડે કે ન આવડે તોય. એક બહેન બદરીનાથ ગયા હતાં. મને કહે કે ત્યાં બહુ ટેબ્લેટસ્ પડી. પછી ખબર પડી કે એ ટ્રબલ્સને ટેબ્લેટસ્ કહેતાં હતાં. એક બહેને એવું કહ્યું કે ગઈ નાઈટે પાર્ટી હતી. એટલે હૉલ ડે કિચનમાં હતી. એક વખતે મારે અમદાવાદ, વિશ્વકોષના ઉદ્ ઘાટનમાં જવાનું હતું. એક ભાઈએ મને પૂછ્યું કે તમે શા માટે જાઓ છો? મેં કહ્યું વિશ્વકોશ માટે, એમણે સામો સવાલ પૂછ્યો ‘એટલે!’ મેં કહ્યું એન્સાઈક્લોપીડીઆ માટે. મને કહે કે આમ ‘ગુજરાતીમાં કહેતા હો તો. આપણે સ્ટુડન્ટસને બદલે સ્ટુડન્ટસો કહીએ છીએ. બેંચિઝને બદલે બેંચો અને લેડીઝને બદલે લેડીઝો કહીએ છીએ. અંગ્રેજી ઉપર ગુજરાતીનો ઢોળ ચઢાવીએ છીએ. છોકરાનું છોકરાઓ, બાંકડાનું બાંકડાઓ એમ. આપણે ત્યાં માનવતા શબ્દ છે. તો બધે જ ‘તા’ શબ્દ લગાડી દઈએ છીએ. આજે મને નર્વસતા બહુ લાગે છે. કોન્વેન્ટ કલ્ચરમાં ભણતા છોકરાઓ આડેધડ બાફતા હોય છે. ધરપકડને બદલે ધરપ–કડ કહેતા હોય છે. કોન ગલી ગયો શ્યામ એવા ગીતમાં એ લોકો એમ સમજે છે કે કોણ ગળી ગયો શ્યામ? ભાખરી સુક્કી છે એવી એક દિવસ વાત થઈ હતી અને સુક્કી અને સુખીનો ભેદ સમજાવ્યો તોપણ એ છોકરાએ કહ્યું કે ભાખરી ઈઝ હેપી. એક જણે કહ્યું કે ઝંપલાવ્યું શબ્દ અંગ્રેજી લાગે છે, કારણ કે જમ્પ પરથી આવ્યો છે. એક બહેને કહ્યું કે અંબામાતામાં માતા શું કામ? અંબા શબ્દમાં બા તો છે જ.
વાંક છોકરાઓનો નથી. વાંક આપણો જ છે. આપણે ત્યાં લાયન્સ અને રોટરીમાં પણ બોલાતું અંગ્રેજી સાંભળ્યું છે. તમને દૂધે ધોઈને પૈસા પાછા આપીશ, એનું અંગ્રેજી સાભળ્યું હતું, આઈ શેલ વૉશ યોર મની ઈન મિલ્ક એન્ડ રિટર્ન યુ બેક. રિટર્ન હોય પછી બેકની જરૂર છે ખરી? કરુણા તો એ છે કે ગુજરાતી શ્રોતા હોય તોપણ અંગ્રેજીમાં બોલાય છે. ગુજરાતી ભાષાની ઉન્નતિની વાત હોય તો પણ અંગ્રેજી કહે છે, ગુજરાતી લેગ્વેજ માટે વી મસ્ટ ડુ સમથીંગ. કેટલાક તૈયાર સિક્કાઓ છે જે સમજણ અણસમજણથી વપરાતા હોય છે. હાઉ ઈન્ટરેસ્ટિંગ, વન્ડરફુલ, ઓકે, રાઈટ, હાઉ નાઈસ. એક બહેનને કોઈકે કહ્યું કે છગનબાપા મરી ગયા તો કહે હાઉ ઈન્ટરેસ્ટિંગ.
હું તો એટલું સમજું છું કે સંસ્કૃત મારું ભોંયતળિયું છે. મહારાષ્ટ્રમાં રહું છુ અને મરાઠી મારી અગાશી છે. અંગ્રેજી મારા ડ્રોઈંગરૂમની ભાષા છે અને ગુજરાતી મારા શયનખંડની ભાષા છે. ગુજરાતી મારી ધરતી છે. માણસને ગૌરવ હોવું જોઈએ કે પોતે પોતાની માતૃભાષામાં વિચારે.
અને એનો ક્યારેય અનાદર ન કરે. ગરબોને ગારબો કહેવાથી આપણે સ્માર્ટ લાગતા હોઈએ એવું માનવાને કારણ નથી. આપણી સ્થિતિ અત્યારે આવી છેઃ
અમે ચક્કરને સર્કલ મારશું રે લોલ
અમે સરકલને ચક્કર મારશું રે લોલ
અમે સદ્ધર ગુજરાતી અદ્ધર અંગ્રેજીમાં
મોટી મોટી વાતોને ફાડશું રે લોલ.

લેખકઃ સુરેશ દલાલ
ઝલક–વિશેષમાંથી સાભાર

Advertisement

1 Comment (+add yours?)

  1. nirupam
    Apr 05, 2010 @ 08:38:46

    05.04.2010
    Very nice atricle.
    જગત જરા લાગે છે સહેલું ગુજરાતીમાં
    દાદીમા તો કહે વારતા ગુજરાતીમાં
    Nirupam

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Disclaimer

© આ બ્લોગમા રજૂ થયેલી કૃતિઓના હક્કો (કોપીરાઇટ) જે તે રચનાકાર ના પોતાના છે. આ બ્લોગ પર અન્ય રચયિતાઓની રચનાઓ મૂકવામાં આવી છે તેને કારણે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને જણાય અને તેની મને જાણ કરવામાં આવશે, તો તેને તરત અહીંથી દૂર કરવામાં આવશે. Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest.

Translate

%d bloggers like this: