હૈદરબાદમાં બનેલી એક સાચી ઘટના વિશેનો એક અત્યંત પ્રેરણાદાયી ઇમૅઇલ હાલમાં જ એક મિત્રએ મોકલાવ્યો. માનસિક રીતે વિકલાંગ એવાં બાળકોની એક સંસ્થાએ બાળકો માટે રૅસ રાખી હતી. આઠ છોકરીઓ એમાં ભાગ લઈ રહી હતી. રમકડાની બંદૂકની ગોળી છૂટી અને રૅસની શરૂઆત થઈ. પળવારમાં તો આઠમાંની સાત છોકરીઓ ગતિથી દોડતી આગળ નીકળવા માંડી પણ એક છોકરી બિચારી ડગમગી અને પડી ગઈ. બીજી જ ક્ષણે એણે રડવાનું ચાલુ કર્યું અને જે છોકરીઓ આગળ નીકળી ગઈ હતી એ બધીનું ધ્યાન ખેંચાયું. પેલીને પગમાં ઉઝરડા પડ્યા હતા અને દર્દને લીધે એ કણસી રહી હતી. રૅસની ઐસીતૈસી કરીને પેલી સાતેસાત છોકરીઓ પાછી આવી અને ઘાયલ થયેલી છોકરીને એ બધીએ સહિયારી ઊભી કરી. એક છોકરીએ પેલીને મિત્રભાવે હળવું ચુંબન કરીને કહ્યું, ”ચિંતા ના કર, દર્દ હમણાં ઓછું થઈ જશે.” અને પેલીને સાંત્વન આપતી, રડવાનું ભૂલીને હસતું મોઢું કરવાનો પાનો ચઢાવતી બધી છોકરીઓ એને ઝાલીને આગળ વધવા માંડી. થોડી જ પળોમાં એકમેકનો હાથ ઝાલી આઠેઆઠ છોકરીઓ એ મુકામે પહોંચી ગઈ જ્યાં રૅસની પૂર્ણાહૂતિ માટેની રિબિન બાંધી હતી. અજાણતાં જ એ બધી એકસાથે એ રિબિન વટાવી ગઈ અને રૅસ જોવા આવેલા લોકો ચકિત થઈ ગયા. કોણ વિજેતા? કોણ પહેલું, બીજું કે ત્રીજું? આ કિસ્સો એ છોકરીઓનો છે જેમની માનસિક અવસ્થા સામાન્ય માણસો જેવી નથી. સામાન્ય માણસો આવું ટીમવર્ક દર્શાવે કે એકમેકને આવો સાથ આપે કે કેમ એ પ્રશ્નનો જવાબ સૌને વિદિત છે. આ કિસ્સામાંથી અનેક મુદ્દા ગ્રહણ કરવા જેવા છે. જિંદગીને સ્વાર્થનાં ચશ્માં પહેરીને જ જોવાને બદલે સહકાર, સાથ અને સમભાવની લાગણીથી આગળ વધારવાની જરૂર છે. સૌ જો આટલું કરતા થઈ જાય તો કોઈ નબળું ના રહે, કોઈ ત્રાહિત ના રહે અને કોઈ દુ:ખી તો બિલકુલ ના રહે.
– કલ્પના જોશી
Mar 21, 2010 @ 17:19:51
ખૂબ પ્રેરક વાત.