માતૃભાષા

મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી શકું છું.

‘મમ્મી’ બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં ‘મમ્મી’ કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સહેજ હસેલી –
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.

બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને
રાત્રે ‘લાયન્સ’ પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી.
બા નવી નવી ‘ડિશ’ શીખવા ‘cooking class’માં ગઈ નહોતી
છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.

મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે.

-વિપિન પરીખ

યુનેસ્કો એ ૨૧ ફેબ્રુઆરી (આજનો દિન) “આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન” તરીકે જાહેર કર્યોં છે ત્યારે આ માતૃભાષાને બિરદાવતી ગૌરવવંતી રચના !!

અન્ય ની ભાષા અને સંસ્કૃતિ કદાચ વધુ સારી અને ઉમદા ચોક્કસ હોઈ શકે, પરંતુ આંખ બંધ કરી પ્રેમ કરવાનું મન તો મારી માતૃભાષા ને જ થાય…

અન્ય ભાષા મોકળા હૃદયે બિરદાવી જરૂર શકાય પરંતુ મને સ્વપ્ના તો મારી માંતુંભાષા માં જ આવે…

Advertisement

એક સાચી ઘટના

હૈદરબાદમાં બનેલી એક સાચી ઘટના વિશેનો એક અત્યંત પ્રેરણાદાયી ઇમૅઇલ હાલમાં જ એક મિત્રએ મોકલાવ્યો. માનસિક રીતે વિકલાંગ એવાં બાળકોની એક સંસ્થાએ બાળકો માટે રૅસ રાખી હતી. આઠ છોકરીઓ એમાં ભાગ લઈ રહી હતી. રમકડાની બંદૂકની ગોળી છૂટી અને રૅસની શરૂઆત થઈ. પળવારમાં તો આઠમાંની સાત છોકરીઓ ગતિથી દોડતી આગળ નીકળવા માંડી પણ એક છોકરી બિચારી ડગમગી અને પડી ગઈ. બીજી જ ક્ષણે એણે રડવાનું ચાલુ કર્યું અને જે છોકરીઓ આગળ નીકળી ગઈ હતી એ બધીનું ધ્યાન ખેંચાયું. પેલીને પગમાં ઉઝરડા પડ્યા હતા અને દર્દને લીધે એ કણસી રહી હતી. રૅસની ઐસીતૈસી કરીને પેલી સાતેસાત છોકરીઓ પાછી આવી અને ઘાયલ થયેલી છોકરીને એ બધીએ સહિયારી ઊભી કરી. એક છોકરીએ પેલીને મિત્રભાવે હળવું ચુંબન કરીને કહ્યું, ”ચિંતા ના કર, દર્દ હમણાં ઓછું થઈ જશે.” અને પેલીને સાંત્વન આપતી, રડવાનું ભૂલીને હસતું મોઢું કરવાનો પાનો ચઢાવતી બધી છોકરીઓ એને ઝાલીને આગળ વધવા માંડી. થોડી જ પળોમાં એકમેકનો હાથ ઝાલી આઠેઆઠ છોકરીઓ એ મુકામે પહોંચી ગઈ જ્યાં રૅસની પૂર્ણાહૂતિ માટેની રિબિન બાંધી હતી. અજાણતાં જ એ બધી એકસાથે એ રિબિન વટાવી ગઈ અને રૅસ જોવા આવેલા લોકો ચકિત થઈ ગયા. કોણ વિજેતા? કોણ પહેલું, બીજું કે ત્રીજું? આ કિસ્સો એ છોકરીઓનો છે જેમની માનસિક અવસ્થા સામાન્ય માણસો જેવી નથી. સામાન્ય માણસો આવું ટીમવર્ક દર્શાવે કે એકમેકને આવો સાથ આપે કે કેમ એ પ્રશ્નનો જવાબ સૌને વિદિત છે. આ કિસ્સામાંથી અનેક મુદ્દા ગ્રહણ કરવા જેવા છે. જિંદગીને સ્વાર્થનાં ચશ્માં પહેરીને જ જોવાને બદલે સહકાર, સાથ અને સમભાવની લાગણીથી આગળ વધારવાની જરૂર છે. સૌ જો આટલું કરતા થઈ જાય તો કોઈ નબળું ના રહે, કોઈ ત્રાહિત ના રહે અને કોઈ દુ:ખી તો બિલકુલ ના રહે.

 – કલ્પના જોશી

Happy Valentine Day !!

 

 

પ્રેમ પર્વ સમા વેલેન્ટાઈન ડે નિમિતે તુષાર શુક્લની સુંદર રચના અને તેટલો જ સુંદર શ્યામલ-સૌમિલ મુનશી નો કંઠ !!

દરિયા ના મોજા કઈ રેતી ને પૂછે તને ભીજાવુ ગમશે કે કેમ

એમ પુછી ને થાય નહિ પ્રેમ

ચાહવા ને ચૂમવા મા ઘટ્ના નો ભેદ નથી

એક નો પર્યાય થાય બીજુ

આન્ખોનો આવકરો વાન્ચી લેવાનો

ભલે હોઠોથી બોલે કે ખીજુ

ચાહે તે નામ એને દઈ દો તમે રે ભાઈ

અન્તે તો હેમ નુ હેમ,

એમ પુછી ને થાય નહિ પ્રેમ

ડગલે ને પગલે જો પુછ્યા કરો તો પછી

કાયમ ન રહેશો પ્રવાસી

મન મુકી મોરશો તો મળશે મુકામ

એનુ સરનામુ સામી અગાશી

મનગમતો મોગરો મળશે વટાવશો

વાન્ધાની વાડ જેમ જેમ!

એમ પુછી ને થાય નહિ પ્રેમ!!

Disclaimer

© આ બ્લોગમા રજૂ થયેલી કૃતિઓના હક્કો (કોપીરાઇટ) જે તે રચનાકાર ના પોતાના છે. આ બ્લોગ પર અન્ય રચયિતાઓની રચનાઓ મૂકવામાં આવી છે તેને કારણે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને જણાય અને તેની મને જાણ કરવામાં આવશે, તો તેને તરત અહીંથી દૂર કરવામાં આવશે. Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest.

Translate