આમ થી બસ તેમ, ફરવાનું થયું
ક્યાંક ડૂબ્યાં, ક્યાંક તરવાનું થયું !
યાદ છે કૂંપળપણું મારૂં, મને
‘ને હવે ટાણું ય, ખરવાનું થયું !
કેટલા સંબંધમાં નિમિત્ત થયાં
કેટલા વિચ્છેદ કરવાનું થયું !
સાવ જો સાચું કહું તો, હરપળે
આંસુઓ પી ને, ઉછરવાનું થયું !
સાવ ખાલી હાથનો વૈભવ જુઓ
જ્યાં જુઓ ત્યાં, કઈંક ભરવાનું થયું !
દૂર કે નજદીકનો ક્યાં પ્રશ્ન છે ?
જેટલું ચડ્યા, ઉતરવાનું થયું !
રંજ કેવળ એટલો છે કે, સતત
જિંદગીથી ખુદ, થથરવાનું થયું !
ડો.મહેશ રાવલ
Recent Comments