જગત, બસ જગત જેવું લાગ્યું

જગત, બસ જગત જેવું લાગ્યું મને તો
વખોડેલ મત જેવું લાગ્યું મને તો  !

ગમે તે, ગમે ત્યાં, ગમે તેમ જીવે
મરેલી મમત જેવું લાગ્યું મને તો  !

તરો  કે ડૂબો, આવશો  છેલ્લે  કાંઠે
ગરજવાન સત જેવું લાગ્યું મને તો  !

રમાડે દિવસ, રાત સપનાં બતાવે
અધૂરી રમત જેવું  લાગ્યું  મને તો  !

ખબર પણ પડે નહીં અને  છેતરી’લ્યે
ગલત આવડત જેવું  લાગ્યું  મને તો  !

સતત ખોટ કરતા થડે  કોણ  બેસે  ?
દુકાળે, ખપત જેવું લાગ્યું મને તો  !

મિલનસાર થઈ જાય માણસ, ગરજમાં
કપાણે  કમત  જેવું  લાગ્યું  મને તો  !ડૉ.મહેશ રાવલ

Advertisement

કથા

કથા

ક્યાંક દરિયો અને ક્યાંક રણની કથા,
જિંદગી એટલે, આવરણની કથા !

આમ અકબંધ સંબંધની વારતા,
આમ, અણછાજતા અવતરણની કથા !

એ અલગ વાત છે કે, ન ભૂલી શકો,
પણ સ્મરણ માત્ર , છે વિસ્મરણની કથા !

શક્ય છે મત જુદો હોય દરિયા વિષે,
લોકજીભે ચડી છે, હરણની કથા !

સુર્ય જેવી નથી શખ્સિયત કોઇની,
છે ઉદય-અસ્ત વાતાવરણની કથા !

હરપળે અવતરે છે નવી શક્યતા,
ને પછી વિસ્તરે, વિસ્તરણની કથા,

કોઇ રસ્તો તફાવત નથી જાણતો,
પણ, બદલતી રહે છે ચરણની કથા !

નામ આપી ભલે મન મનાવો તમે,
પણ ખરેખર  છે બેનામ, ક્ષણની કથા !

જિંદગી જિંદગી શું કરો છો બધા?
જિંદગી એટલે કે, મરણની કથા !!

~ ડૉ. મહેશ રાવલ

થયું !

આમ થી બસ તેમ, ફરવાનું થયું
ક્યાંક ડૂબ્યાં, ક્યાંક તરવાનું થયું !

યાદ છે કૂંપળપણું મારૂં, મને
‘ને હવે ટાણું ય, ખરવાનું થયું !

કેટલા સંબંધમાં નિમિત્ત થયાં
કેટલા વિચ્છેદ કરવાનું થયું !

સાવ જો સાચું કહું તો, હરપળે
આંસુઓ પી ને, ઉછરવાનું થયું !

સાવ ખાલી હાથનો વૈભવ જુઓ
જ્યાં જુઓ  ત્યાં, કઈંક ભરવાનું થયું !

દૂર  કે નજદીકનો ક્યાં પ્રશ્ન છે ?
જેટલું ચડ્યા, ઉતરવાનું થયું !

રંજ કેવળ એટલો છે કે, સતત
જિંદગીથી ખુદ, થથરવાનું થયું !


ડો.મહેશ રાવલ

…પછી!

ખોટો પડે એકાદ સરવાળો પછી
ઊભો થશે વે’વારમાં ગાળો પછી

ચર્ચા ગમે તે રૂપમાં ચર્ચા જ છે
ચૂંથો વિષય, તો નહીં મળે તાળો પછી !

થોડો ઘણો મતભેદ સહુનો ક્ષમ્ય છે
મનભેદનેં ક્યાં-ક્યાં તમે વાળો પછી ?

સારો નથી રૂપ,રંગ,વૈભવનો અહમ
થઈ જાય ઢગલો રાખનો, બાળો પછી

માઠા સમયનો અર્થ કેવળ એટલો
કે, જાત નિખરે જાત સંભાળો પછી !

સચવાય સહુની લાગણી, નાજુકપણે
રાખી શકો સંબંધ હુંફાળો પછી

બે હાથની તાળી જ પડઘો પાડશે
‘ને સાદ પણ સંભળાય સુંવાળો પછી !

ડૉ.મહેશ રાવલ

બધું,પરિણામલક્ષી છે

આપણી શ્રધ્ધા અને પથ્થર બધું પરિણામલક્ષી છે
ખાતરી,વિશ્વાસ,’ને ઈશ્વર બધું પરિણામલક્ષી છે !

કોઇએ જોયો નથી,જોવા ય મળતો પણ નથી આજે
તોય ઈચ્છા હોય છે અક્સર! બધું પરિણામલક્ષી છે!

જિંદગી તો જિંદગીની જેમ જીવાતી જ રહેવાની
જીવ,આત્મા,દેહ આ નશ્વર બધું પરિણામલક્ષી છે !

આવતી હર ક્ષણ,જતી ક્ષણની જ છે સીધી અસર,તો પણ
ખુદ સમય,એની ધરી,ચક્કર બધું પરિણામલક્ષી છે

વારતા લંબાય તો લંબાય છે સંબંધ,પાત્રોના
કાચ જેવા હોય કે નક્કર બધું,પરિણામલક્ષી છે !

સર્જનારે ખાસ કારણસર કરેલું હોય છે સર્જન
પર્વતો,ઝરણાં,નદી,સાગર બધું,પરિણામલક્ષી છે

એટલું સહેલું નથી ઊંડેસુધી જઈ  તાગ મેળવવો
પ્રશ્ન  કે એ  પ્રશ્નના ઉત્તર બધું,પરિણામલક્ષી છે !

સહમતી સાધ્યા વગર નિર્ણય અધૂરાં થાય છે સાબિત
પણ,વિષયની બ્હાર કે અંદર બધું,પરિણામલક્ષી છે

હાથ જે ઊઠે દુઆ માટે,ચકાસે છે ખુદા એને
પણ ખુદા પોતે, ‘ને સચરાચર બધું,પરિણામલક્ષી છે !


છંદવિધાનઃ ગાલગાગા ના  ૪ચરણ + ગા

ડો.મહેશ રાવલ

Disclaimer

© આ બ્લોગમા રજૂ થયેલી કૃતિઓના હક્કો (કોપીરાઇટ) જે તે રચનાકાર ના પોતાના છે. આ બ્લોગ પર અન્ય રચયિતાઓની રચનાઓ મૂકવામાં આવી છે તેને કારણે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને જણાય અને તેની મને જાણ કરવામાં આવશે, તો તેને તરત અહીંથી દૂર કરવામાં આવશે. Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest.

Translate