હે મહત્વાકાંક્ષી…

હે મહત્વાકાંક્ષી,
અણું બોમ્બના સહારે,
તારે દુનિયા જીતવી છે ?
ઘણું સારુ,
પણ,
એ તો કહે,
જીત્યા પછી,
માનવ વિહોણી દુનિયાનું,
તું કરીશ શું ?

— કુમાર મયુર —

વ્યાખ્યા પ્રેમની તેં કંઇ થોડી લખાતી હશે
યુગોની પરંપરા, બે લીટીમાં સમાતી હશે

— કુમાર મયુર –

Advertisement

મહેફિલ

એક રાતે એકાંતમાં મહેફિલ જમાવી બેઠો હતો,
પડછાયાને મિત્ર બનાવી વાતો કરતો બેઠો હતો,
ખાટી-મીઠી ઘણી યાદો ફરી તાજી કરતો હતો,
આવતા-જતા લોકો કહેતા હતા હું બકતો હતો,
કોઈના માટે ગાંડો કોઈના માટે નશામાં હતો,
પડછાયો મારો જાણતો હતો કે હું વ્યથામાં હતો,
વિતેલા ભૂતકાળથી આવનાર ભવિષ્યની ચિંતામાં હતો,
પ્રબળ ઈચ્છા છતાં કશું જ બદલવા અસમર્થ હતો,
હોવા છતાં ચમનમાં હું જાણે વેરાનમાં હતો,
લોકોની ભીડમાં પણ મનથી એકાંતમાં હતો,
અજાણતા થઈ ગયેલા ગુનાનું પરિણામ ભોગવતો હતો,
ગંભીર ન હોવા છતાં એ ગંભીર ગુનો ગણતો હતો,
અવાસ્તવિકતાને પ્રેમ કરવાનો ગુનો કર્યો હતો,
એટલે જ આશિષ તૂટેલા દિલને લઈને બેઠો હતો.

કવિઃ આશિષ એ. મહેતા

એડીટરઃ અજય એમ. પટેલ

જખમનું સ્મરણ

જીવન એનું એ છે, મરણ એનું એ છે,
વિસ્તરતું જતું ક્ષણનું રણ એનું એ છે.

બધાં દુઃખનું ઓસડ આ દહાડા, ખરું! પણ-
હૃદયમાં જખમનું સ્મરણ એનું એ છે!

♥ પંચમ શુક્લ

જીવન એક …

જીવન એક ગણિત છે, જે શૂન્યતા થી અનંતતાની સફર છે.

જીવન એક વિજ્ઞાન છે, જે અણુ અને પરમાણુની અનંત શ્રુંખલા છે.

જીવન એક ભાષા છે, જે કર્તા દ્વારા થતા કર્મ ની એક વાક્યરચના છે.

જીવન એક “Accounts” છે,જે સુખ-દુ:ખના જમા-ઉધાર ની ખાતાવહી છે.

જીવન એક “Management” છે,જે ‘સ્વ’ ને મેનેજ કરવાની બીઝનેસ સ્કૂલ છે.

જીવન એક સંગીત છે, જે સપ્તક ના સ્વરો ને માણવાનું શાસ્ત્ર છે.

જીવન એક કળા છે, જે ભૂતકાળમાંથી શીખી,વર્તમાનમાં જીવી અને ભવિષ્યમાં આગળ વધવાની સરળ વાત છે.

– જગત નિરુપમ

અમેરીકા ન આવતો કાના

અમેરીકા ન આવતો કાના – જયકાંત જાની (USA)

અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના
અહી બાવન સ્ટેટ પણ તારા માટે સ્ટેટ્સ વીનાના
વેઘર અહીના વ્ંઠીલા કાના તારે ગોકુળ વ્રુન્દાવન મજાના
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના

વેરણ થઇ ગઇ જ્યા નીંદરૂ અમારી
કાના તને કોણ અહી ઝુલાવી ને સુવડાવે
અભક્ષ ભોજન કરતા હોઇ જ્યા અમે
કાના તને કોણ માખણ મિસરી ખવડાવે
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના

રાસ લીલાની રમઝટ માટે અહી નહી મળે બ્રીજબાલા
ડીસ્કો દાંડીયા લેવા પડશે તારે ગોવિંદા આલા
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના

હાઇ-વે પર ગાડી ચલાવવા લેવી પડ્શે પરમીટ્
પોલીસ ક્લીઅરન્સ ગોકુળ થી લાવી આપવી પડશે ક્લીન ચીટ
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના

ટ્રાફીક રુલ્સનો ભંગ કરીશતો ભરવા પડ્શે તારે દ્ંડ
ડગલે પગલે તને હડ્ઘુત કરિને તોડશે તારો ઘ્ંમ્ંડ્
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના

મોરલી તારી ંમેડેમુકીને શીખવા પડશે રેપ સ્ંગીત
ગોકુળીયા ગીતોને સાવ ભુલીને ગાવા પડશે ઇગ્લીશ ગીત
અમેરીકા ન આવતો કાના અમેરીકા ન આવતો કાના

– જયકાંત જાની (USA)

જિંદગી

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

ચાલ, સંબંધોનું કોઈ કણમાપક શોધીએ,
કે, હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.

આરજૂના કાટખૂણે જિંદગી તૂટી પડે –
ને પછી એ મોતનાં બિંદુ સુધી લંબાય છે.

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

– નયન દેસાઈ

“ઊર્મિસાગર”

જિંદગીનાંસરવાળામાંઉમેરાયછેતું,
અનેભાગાકારમાંશેષરહીજાયછેતું,
વળીગુણાકારમાંહંમેશાગુણાયછેતું,
તોબાદબાકીમાંશૂન્યબનીજાયછેતું.

* * *

જિંદગીનાંમધ્યાંતરેઆવીનેતમે, એનેકાટ્ખૂણેવાળીદીધી.
નહિંતરસીધીરેખામાંજીવનજીવ્યેજતાંહતાંઅમે!

* * *

ભલેનેથતીહોયઅમારીગણત્રીબુધ્ધિજીવીઓમાં,
હકિકતતોછેકેઉર્મિઓનેવાળતાપણનથીઆવડ્યું

* * *

અધર્મિકહેકેધર્મિતુંમને, તારીમરજી,
ઉર્મિઓનાહિસાબમાંજાણીબુઝીનેભૂલોકરુંછુ.

* * *

“ઊર્મિસાગર”

આ માણસ બરાબર નથી

લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી.
ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી.

સમી સાંજ દરિયાકિનારે જવું તોયે દરિયા તરફ પીઠ રાખી,
એ, લોકોને, ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી.

સુંદરતા જોવી ગમે છે, સહજ છે, પણ સૌની ર્દષ્ટિમાં છે ફેર,
એ જોવા ની આડશમાં રીતસર ઘૂરે છે, આ માણસ બરાબર નથી.

ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથી યે છેટો રહે છે,
બસ પોતાને માટે જીવે છે, મરે છે, આ માણસ બરાબર નથી.

વધુ એને ચીડવો, વધારે દઝાડો, જલાવો, દયા ના બતાવો,
કારણ એ કાયમ ઈર્ષાથી બળે છે, આ માણસ બરાબર નથી.

જે લુચ્ચું હસે છે, જે ખંધુ હસે છે, જરા એથી ચેતીને ચાલો,
કે આખો શકુનિ એમાંથી ઝરે છે, આ માણસ બરાબર નથી.

   – હિતેન આનંદપરા

હરિ તમારી કટ્ટી

(હરિ તમારી કટ્ટી…)

હરિ તમારી કટ્ટી !
કડવી કડવી જિંદગી આપી વાત કરો ગળચટ્ટી !

લોકલ ટ્રેનમાં ઊભા રહીને એક દિવસ તો આવો,
હું ય જોઉં છું, કેમ કરીને બંસી તમે બજાવો !
યાદ આવશે પળભરમાં તો ગયા જનમનાં ઘાવો,
કાશી હો કે કુરૂક્ષેત્રે હો, બધ્ધે પીડે અભાવો,
દરેક યુગને માપવાની આ જુદી જુદી ફૂટપટ્ટી,
હરિ તમારી કટ્ટી !

કદીક ધરતીકંપ કરાવો કદીક લાવો પૂર,
અજગર જેવો દુકાળ દઈને કેમ ભીંસો ભરપૂર ?
છાતીમાં છે ધબકારા પણ ધબકારામાં ઝૂર,
નીર ખૂટ્યા છે ધરતીના ને નભના ખૂટ્યા નૂર,
અડતાવેંત જ લોહી નીકળે એવી થઈ છે મટ્ટી,
હરિ તમારી કટ્ટી !

-હિતેન આનંદપરા

માણસ જેવો માણસ

સંદીપ ભાટિયા – માણસ જેવો માણસ

માણસ જેવો માણસ ક્ષણમાં
ધુમાડો થઈ જાય એ કંઈ જેવીતેવી વાત નથી.

ઘરઘર રમતાં પળમાં કોઈ
પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવીતેવી વાત નથી.

વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ.
કાચનદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.

તારીખિયાને કોઈ પાને સૂરજ
અટકી જાય એ કંઈ જેવીતેવી વાત નથી.

હથેળીઓની વરચે એના ગુંજયા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.

ઘડી પહેલાં જે ઘર કહેવાતું
દીવાલો કહેવાય એ કંઈ જેવીતેવી વાત નથી.

સૂરજનો અજવાશ ગોખમાં દીવો થઈને થરકે.
સ્તબ્ધ ભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.

પાંપણ ઉપર દર્પણ જેમ જ
ઘટનાઓ તરડાય એ કંઈ જેવીતેવી વાત નથી.

         -સંદીપ ભાટિયા

Previous Older Entries

Disclaimer

© આ બ્લોગમા રજૂ થયેલી કૃતિઓના હક્કો (કોપીરાઇટ) જે તે રચનાકાર ના પોતાના છે. આ બ્લોગ પર અન્ય રચયિતાઓની રચનાઓ મૂકવામાં આવી છે તેને કારણે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને જણાય અને તેની મને જાણ કરવામાં આવશે, તો તેને તરત અહીંથી દૂર કરવામાં આવશે. Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest.

Translate