નાનો હતો ત્યારે હોડી થયું’તું, એક પાનું.
વરસાદી પાણી માં તરી રહ્યું’તું, એક પાનું.
ડસ્ટર બનીને ક્યારેક બોર્ડને ભૂસ્યું,
તો ડૂચો બની ક્રિકેટ રમ્યું’તું, એક પાનું.
ક્લાસમાં શિક્ષકની ગેરહાજરી જોઈ,
વિમાન બનીને’ય ભમ્યું’તું, એક પાનું.
અચાનક શિક્ષક આવ્યા ને પછી,
ફરિયાદ બની ઘરે ગયું’તું, એક પાનું.
ઘણીએ ઝડપથી લખવા છતાં પણ;
પરીક્ષા લખવામાં છૂટ્યું’તું, એક પાનું.
મારી શાળામાં વિધાર્થીઓ વચ્ચે;
રીઝલ્ટ બનીને લટક્યું’તું, એક પાનું.
એપ્લીકેશન પાનું, અપ્રુવલ પાનું;
કોલેજની માર્કશીટ થઇ ફર્યું’તું, એક પાનું.
પ્રેમપત્ર પાનું, કંકોત્રી પાનું,
કાળોતરી બની ને રડ્યુ’તું, એક પાનું.
જે આખી જીંદગી બનાવી દે કોઈની,
એક છોડના મૃત્યુથી બન્યું’તું, દરેક પાનું.
– સાક્ષર
તા.ક. – SAVE TREES. GO PAPERLESS. GO GREEN.
Recent Comments